આજરોજ શિક્ષકદિન નિમિતે રાજયકક્ષાના મંત્રી વિનોદ મોરડીયાનાં અધ્યક્ષ સ્થાને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીનાં રંગભવન ખાતે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જિલ્લા શિક્ષણાધિકારી કચેરી પાટણ દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં તાલુકા/જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓનું મંત્રીનાં હસ્તે સન્માન કરવામાં આવ્યું હતુ. તદઉપરાંત રોટરી કલબ ઓફ પાટણ દ્વારા રંગભવન ખાતે રક્તદાન કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતુ. જેનો લોકોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. મંત્રીએ પણ આ કેમ્પની મુલાકાત લીધી હતી.
૫ મી ઓક્ટોબર એટલે શિક્ષક દિવસ. આજરોજ શિક્ષક દિનની ઉજવણી સમગ્ર ભારતમાં સૌ કોઈ કરી રહ્યાં છે. આજનો દિવસ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ છે, જેમની યાદમાં ભારતમાં શિક્ષક દિનની ઉજવણી થઈ રહી છે. આજના દિવસે સૌ કોઈ પોતાના ગુરુને યાદ કરે છે કારણકે મા- બાપ પછી જો કોઈનું સ્થાન હોય તો એ છે ગુરૂ. આજરોજ મંત્રીની અધ્યક્ષતામાં આયોજીત આ કાર્યક્રમમાં એવાં શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યુ જેઓએ પોતાની આવડત થકી વિદ્યાર્થીઓને ન માત્ર પુસ્તકનું જ્ઞાન આપ્યું. પરંતુ સાથે સાથે વિદ્યાર્થીઓને જીવન ઘડતરમાં પણ મદદરુપ થયા. શિક્ષણ ઉપરાંત વિવિધ ક્ષેત્રમાં જેઓએ વિશિષ્ઠ કામગીરી કરી છે. તેવા શિક્ષકોનું આજરોજ સન્માન કરવામાં આવ્યુ હતુ.
આજરોજ આયોજીત શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહનાં અધ્યક્ષ એવાં રાજયકક્ષાના મંત્રી વિનોદ મોરડીયાએ પાટણને શિક્ષણનું પ્રેરણાસ્રોત ગણાવતા જણાવ્યું કે, પાટણમાં આજના આ શુભ દિવસે આવીને ખરેખર ખુબ ધન્યતા અનુભવી રહ્યો છુ. આજે સમગ્ર રાજ્યમાં ઠેર-ઠેર શિક્ષકોનું સન્માન કરવામાં આવી રહ્યુ છે. ત્યારે કહી શકાય કે શિક્ષકોની સાથે સાથે સમગ્ર રાજ્ય આજે સન્માનિત થઈ રહ્યુ છે. સરકાર રાજયની વિકાસધારાને સુચારુ રીતે ચલાવી શકે તે માટે એક શિક્ષક મહત્વની ભૂમિકા ભજવે છે. બાળક શાળામાં પ્રવેશ કરે ત્યારથી ઘરે આવે ત્યાં સુધી માતા-પિતાની સાથે સાથે એક શિક્ષક ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવતો હોય છે. પુસ્તકિયુ જ્ઞાન આપવાની સાથે એક શિક્ષક બાળકના જીવન ઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવે છે. વધુમાં માનનીય મંત્રીએ જણાવ્યું કે હું આજે અહીં અધ્યક્ષ સ્થાને છું તે માત્ર અને માત્ર મારા શિક્ષકના કારણે છું. આ શુભ પ્રસંગે મંત્રીએ પોતાના શિક્ષકને યાદ કર્યા હતાં. સાથે જ મંત્રીએ જે પણ શિક્ષકો અને વિદ્યાર્થીઓનું આજે સન્માન થયું છે. તે તમામને અભિનંદન પાઠવ્યા હતા. આ શુભ પ્રસંગે મંત્રીએ પોતાના બાળપણને યાદ કર્યુ હતુ.
આ કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ માનનીય મંત્રી પાટણની આન-બાન અને શાન એવી રાણકી વાવની મુલાકાતે લીધી હતી. જ્યા તેઓએ વાવની બેનમુન નકશીકલાને નિહાળી હતી. રાણકી વાવની મુલાકાત લેતા મંત્રી જણાવે છે કે આજે પાટણની ઓળખ સમી રાણકી વાવની મુલાકાત લઈને ખરેખર અભિભુત થયો છુ. રાણકી વાવ થકી પાટણમાં પ્રવાસન ક્ષેત્રે નોંધપાત્ર વધારો થયો છે જે પાટણ અને રાજ્ય માટે ખરેખર ખુબ ગર્વની વાત કહેવાય.
આજના આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતિબેન મકવાણા, નગરપાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ , જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકી, જિલ્લા અધિક નિવાસી કલેક્ટર પ્રદિપસિંહ રાઠોડ, પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર, તેમજ વિવિધ તાલુકાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ, અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા.