Banaskantha : ડીસા તાલુકાના વાસણા ગામે બકરા ચરાવવા મિત્રો સાથે ગયેલો એક યુવક નદીમાં નાહવા પડતા ડૂબી ગયો હતો. બનાવને પગલે દાંતીવાડા રામનગરના તરવૈયા અને ડીસા નગરપાલિકાની ટીમે ભારે જહેમત ઉઠાવી સતત 8 કલાક સુધી શોધખોળ હાથ ધરી મોડી રાત્રે લાશને બહાર કાઢી હતી.
ડીસા તાલુકાના વાસણા ગામે રહેતો શૈલેષ પટણી નામનો 18 વર્ષીય યુવક તેના ત્રણ મિત્રો સાથે બકરા ચરાવવા બનાસ નદી તરફ ગયો હતો. તે સમયે શૈલેષ નદીમાં નાહવા પડતા પાણીના વમણમાં ફસાઈ જતા ડૂબી ગયો હતો. શૈલેષને ડૂબતો જોઈ તેના મિત્રો પણ તેને બચાવવા માટે નદીમાં કૂદી પડ્યા હતા, પરંતુ ઘણા પ્રયાસો કરવા છતાં શૈલેષને ડૂબતો બચાવી ન શક્યા. ઘટનાની જાણ થતાં જ શૈલેશના પરિવારજનો ગામના સરપંચ સહિત લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
આ બનાવ અંગે ડીસા ગ્રામ્ય મામલદારને જાણ થતા તેમને તરત જ દાંતીવાડા રામનગરના સરવૈયાઓની ટીમ તેમજ નગરપાલિકાની ટીમને જાણ કરી ઘટનાસ્થળે મોકલી હતી. જ્યાં સતત 8 કલાક સુધી ભારે જહેમત ઉઠાવી બંને ટીમોએ સાથે મળી લાશને બહાર કાઢી હતી. જ્યારે ડીસા તાલુકા પોલીસે મૃતકની લાશને પીએમ અર્થે ડીસા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.