અમદાવાદ(Ahmedabad) શહેરના આનંદનગર વિસ્તારની એક 23 વર્ષીય મહિલાએ શુક્રવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ કે જેની સામે તેણે બળાત્કારનો કેસ નોંધાવ્યો હતો, તેણે તેને FIR પાછી ખેંચી લેવાની ધમકી આપી હતી. આનંદનગર પોલીસમાં મહિલાએ પોતાની નવી ફરિયાદમાં જણાવ્યું હતું કે પોતે આરોપી સાથે પ્રેમમાં પડી હતી અને લગભગ એક વર્ષ પહેલા મધ્યપ્રદેશ(Madhya Pradesh)માં તેના વતનથી અમદાવાદ આવી ગઈ હતી.
જે બાદ પોતે એ જ ફ્લેટમાં એકલી રહેવા લાગી જ્યાં આરોપી રહેતો હતો. જોકે ગત જાન્યુઆરીમાં, તેને ખબર પડી કે આ બોયફ્રેન્ડ તો પહેલેથી જ પરિણીત છે પરંતુ તેને ક્યારેય પોતાના લગ્ન અંગે ઉલ્લેખ કર્યો નહોતો અને આમ કરીને યુવતી સાથે છેતરપીંડીથી સંબંધ બનાવ્યા હતા. જે બાદ યુવતી અને તેના બોયફ્રેન્ડ વચ્ચે અનેકવાર આ વાતને લઈને વિવાદ થયો હતો. યુવતીએ તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડને તેની પત્નીથી છૂટાછેડા લેવાનું કહ્યું પરંતુ જ્યારે તેણે પોતાની પત્નીથી અલગ થવાનો ઇનકાર કર્યો, ત્યારે યુવતીએ આ વર્ષે એપ્રિલમાં તેની સામે બળાત્કારનો કેસ દાખલ કર્યો હતો.
જોકે ત્યારથી જ તેનો આ બોયફ્રેન્ડ તેના સામેની બળાત્કારની ફરિયાદ પાછી ખેંચી લેવા માટે સતત દબાણ કરતો હતો અને રસ્તામાં પણ તેનો પીછો કરતો હતો. જે બાદ ગુરુવારે રાત્રે, તેણે યુવતીને ફોન કર્યો અને યુવતી જે ફ્લેટમાં રહે છે તેના પાર્કિંગમાં તેને મળવા માટે આવવા કહ્યું હતું. જ્યારે યુવતી ત્યાં મળવા ગઈ ત્યારે આરોપીએ કથિત રીતે ધમકી આપી હતી કે જો તે બળાત્કારની ફરિયાદ પાછી ખેંચી નહીં લે તો તેને જાનથી મારી નાખશે. આ ઘટના બાદ ડરી ગયેલી યુવતીએ આનંદનગર પોલીસમાં જઈને આરોપી સામે ધમકીની ફરિયાદ નોંધાવી હતી.