ચીનની એક મહિલાએ પારંપારિક સ્નેક વાઈન બનાવવા માટે ઑનલાઈન શૉપિંગ પોર્ટલ પરથી સાપ ખરીદ્યો હતો. પરંતુ આ ઝેરીલા સાપના કરડવાથી તેનું મોત થયું હતું.
આ ઘટના ચીનના ઉત્તરી શાંક્સી પ્રાંતમાં 21 વર્ષીય મહિલાની સાથે ગત મંગળવારે ઘટી હતી. ચીનની સત્તાવાર ન્યૂઝ એજન્સી શિન્હુઆના રિપોર્ટ અનુસાર મહિલાનું મોત બૅંડેડ કરેટ સાપ દ્વારા ઘણી વખત કરડવાથી થયું હતું.
મહિલાએ આ ઝેરીલા સાપને ઈ-કોમર્સ કંપની જુહાનજુહાન પરથી ખરીદ્યો હતો. આ ચીનની સૌથી મોટી ઈ-કોમર્સ કંપનીઓમાંની એક છે. આ કંપનીનું સંચાલન ઇન્ટરનેટ ક્ષેત્રની મોટી કંપની ટેન્સેટ દ્વારા કરવામાં આવે છે. કંપનીએ સાપને ગુઆંગદોંગ પ્રાંતથી ખરીદ્યો હતો. જ્યાં ખૂબ ઝેર ધરાવતા સાપ મોટી માત્રામાં મળી આવે છે. સાપની ડિલીવરી સ્થાનિક કૂરિયર કંપનીએ કરી હતી. કુરિયર કંપનીના લોકોએ જણાવ્યું કે તેમને ખબર ન હતી કે બોક્સમાં શું હતું.
મરનાર મહિલાની માતાએ જણાવ્યું હતું કે તેમની દિકરી પારંપરિક ઔષદીય ગુણનો દારૂ બનાવવા જઈ રહી હતી. આ ઔષધીય દારૂને સ્નેક વાઈન કહેવાય છે. આ વાઈનને આલ્કોહોલની અંદર પૂરા સાપને ઓગાળીને બનાવવામાં આવે છે. જેના મિશ્રણ વિશે ચીનમાં માન્યતા છે કે ઘણી બીમારીઓ દૂર થઈ જાય છે.
કેટલાંય મીડિયા રિપોર્ટમાં કહેવાયું છે કે મહિલાને કરડ્યા બાદ સાપ જંગલમાં ભાગી ગયો હતો. પરંતુ સ્થાનિક વનકર્મીઓએ જણાવ્યું છે કે તે મહિલાના ઘરની પાસે જ મળી આવ્યો હતો. ચીનમાં ઑનલાઈન પ્લેટફોર્મ પર વન્યજીવોનો કારોબાર કરવો પ્રતિબંધિત છે. અધિકારીઓ આવી કોઈ પણ પોસ્ટની સૂચના મળતાં જ એક્શન લે છે.