પાટણ શહેરમાં તસ્કરોનો ત્રાસ દિવસે દિવસે વધ્યો હોય એમ જોવા મળી રહ્યું છે, થોડાક દિવસ અગાઉ શહેરના ચતુર્ભુજ બાગ નજીક પાન પાર્લરને નિશાન બનાવતા તસ્કરને પડકાર ફેકનાર હોમગાર્ડના બે જવાનો ઉપર તસ્કરે હુમલો કરી ઈજાઓ પહોંચાડતા તેને ગણતરીના કલાકમાં પોલીસે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્યારે મંગળવારની રાત્રે આજ વિસ્તારમાં સિવિલ હોસ્પિટલના નજીક આવેલ નવકાર જ્વેલર્સ અને મેઈન બજારમાં આવેલ ભગવતી જ્વેલર્સ ને કોઈ અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી ચોરીનો પ્રયાસ કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવતા અને જ્વેલર્સ ના માલિકો દ્વારા આ બાબતે પોલીસને જાણ કરતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન બનાવ્યા હોવાનો જાણવા મળ્યું છે.
આ ચોરીની ઘટના ની મળતી હકીકત મુજબ પાટણ સિવિલ હોસ્પિટલની નજીક આવેલ નવકાર જ્વેલર્સને મંગળવાર ની મોડી રાત્રે કોઈ અજાણ્યા તસ્કરી સમયે તોડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મેઈન શટર નું તાળું તોડીયા બાદ અંદર લોક કરેલ દરવાજો ન તૂટતા તસ્કરોને ફોગટ ફેરો પડ્યો હતો.
આ બાબતની જાણ વહેલી સવારે જ્વેલર્સ ના માલિક અને ભગવતી નગરમાં રહેતા દર્શનભાઈ મોદીને થતા તેઓએ દુકાને આવી પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે આવી તપાસના ચક્રો ગતિમાન બનાવ્યા હતા. જ્યારે શહેરના મેઈન બજારમાં આવેલી ભગવતી જ્વેલર્સને પણ તસ્કરોએ નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે આ બાબતે ભગવતી જ્વેલર્સના માલિક અને સોની વાડામાં રહેતા રાજુભાઈ મોદીને થતા તેઓએ પણ આ ચોરીના પ્રયાસ બાબતેની પાટણ પોલીસને જાણ કરી હોવાનું જાણવા મળ્યું છે.
પાટણ શહેરના મેઈન બજાર અને ભરચક એવા સિવિલ હોસ્પિટલ વિસ્તારમાં રાત્રિના સુમારે જ્વેલર્સ ની દુકાનોને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હોય જેને લઈને વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે તો પોલીસ દ્વારા રાત્રે પેટ્રોલિંગ ની વાતો સુફીયાણી બની છે.