અધિકૃત વિક્રેતા પાસેથી પ્રમાણિત બિયારણ અને જંતુનાશકોની ખરીદી અને તેના બિલ સહિતની બાબતોમાં કાળજી લેવા અનુરોધ

ચોમાસાની ઋતુની શરૂઆતની સાથે જ જિલ્લામાં ખેડૂતો દ્વારા બીટી કપાસ, મગ, અડદ, બાજરી, તલ, દિવેલા અને ગવાર જેવા પાકના વાવેતર કરવામાં આવી રહ્યું છે ત્યારે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા બિયારણની પસંદગી, અધિકૃત વિક્રેતા પાસેથી બિયારણ તથા જંતુનાશક દવાઓ સહિતની ખરીદી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું છે.

ખેડૂતોને ખરીફ પાકના વાવેતર માટે વધુ ઉત્પાદન આપતી જાત પસંદ કરી પ્રમાણિત બિયારણ વાપરવા અનુરોધ કરવામાં આવ્યો છે. અધિક્રુત વિક્રેતા પાસેથી જ બિયારણ અને જંતુનાશક દવાની ખરીદી અને તે અંગેનું પાકું બિલ મેળવવા જણાવવામાં આવ્યું છે. જેમાં બિયારણ અને જંતુનાશક દવાની ખરીદી બિયારણ તેમજ જંતુનાશક દવાના વેચાણનું અધિકૃત લાયસન્સ કે પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ અથવા તો પ્રતિષ્ઠિત ખાનગી વિક્રેતાઓ પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો.

બિયારણ, જંતુનાશક દવાનું પેકેટ કે ટીન સીલબંધ છે કે કેમ? તેમજ તેની મુદત પુરી થયેલ છે કે કેમ? તેની ખાતરી કરવી અને કોઈ પણ સંજોગોમાં મુદત પુરી થયેલ બિયારણ કે જંતુનાશક દવાની ખરીદી કરવી નહીં. બિયારણ તથા જંતુનાશક દવાના વેપારી પાસેથી તેના લાયસન્સ નંબર અને પૂરેપૂરા નામ, સરનામા તથા સહીવાળા બીલમાં ઉત્પાદકનું નામ, લોટ કે બેચ નંબર અને ઉત્પાદન તથા મુદત પૂરી થતી તારીખની દર્શાવેલ વિગતોની ખરીદેલી દવા કે બિયારણના પેકેટ પર ખાતરી કરી લેવી.

બિયારણની થેલી કે પેકેટ ઉપર તેના ઉત્પાદકનું નામ-સરનામું લખેલું ન હોય તેવા તથા પાકા બીલથી વેચાતા ન હોય તેવા કોઈપણ બિયારણની કોઈપણ સંજોગોમાં ખરીદી કરવી નહીં અને શક્ય હોય ત્યાં સુધી પ્રમાણિત બિયારણ વાપરવાનો આગ્રહ રાખવો. જંતુનાશક દવા કે બાયો પેસ્ટીસાઇડ સેન્ટ્રલ ઇન્સેનક્ટીસાઇડ બોર્ડ દ્વારા રજીસ્ટર થયેલ છે કે કેમ? તેની ખાતરી કરી લેવી. જંતુનાશક દવા કે બાયો પેસ્ટીસાઇડના લેબલ ઉપર રજીસ્ટ્રેશન નંબર લખેલો ન હોય તો તેની ખરીદી કરવી નહી.

આ ઉપરાંત રજીસ્ટ્રેશન થયેલ જંતુનાશક દવા કે બાયો પેસ્ટીસાઇડ લેબલ ઉપર ૪૫ અંશના ખુણે હીરાના આકારમાં મુકેલ ચોરસમાં બે ત્રિકોણ હોય છે. જેમાં નીચેના ત્રિકોણમાં ચળકતો લીલો, વાદળી, પીળો કે લાલ રંગ હોય છે, જ્યારે ઉપરના ત્રિકોણમાં તેના ઝેરીપણા અંગેની ચેતવણી લખેલી હોય છે. જો લેબલ ઉપર આવા કોઇ ચોરસમાં ઉપર મુજબની વિગતો ન હોય અને રજીસ્ટ્રેશન નંબર ન હોય તેવી બોટલ, પાઉચ કે પેકેટમાં રહેલી જંતુનાશક દવા કે બાયો પેસ્ટીસાઇડની ગુણવત્તાની કોઇ ખાતરી ન હોવાથી કોઇપણ સંજોગોમાં આવી જંતુનાશક દવા કે બાયો પેસ્ટીસાઇડની ખરીદી ન કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024