Hit And Run in Patan : પાટણ-શિહોરી હાઈવે પર પુર ઝડપે અને ગફલતભરી રીતે ડમ્પર હંકારી અવાર નવાર અકસ્માત સર્જાતો હોય છે. જેમાં કેટલાય નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવે છે. ત્યારે અજાણ્યો ડમ્પર ચાલકે બાઈક સવાર ત્રણ યુવકોને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો.
ભુતિયાવાસણા પાસે રાત્રે સાડા દશ વાગ્યા આસપાસ બાઈક સવાર ત્રણેય યુવકોને કોઈ અજાણ્યા ડમ્પરે (ટર્બો) ચાલકે પાછળથી ટક્કર મારતાં બે ના ગંભીર ઈજાઓના કારણે ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા હતા તો એક ને સારવાર માટે લઈ જતા રસ્તા માં મોત થયું હતું.
એક જ ગામના ત્રણ મિત્રો મોત
સરસ્વતીના અઘાર ગામના અદુજી બચુજી સોલંકી , જગતસંગ પ્રહેલાદસંગ સોલંકી અને અર્જુનસિંહ સોલંકી ત્રણેય મિત્રો મોડી રાત્રે પાટણ થી ઘરે પરત પાટણ શિહોરી હાઈવે પર જઈ રહ્યા હતા. જે દરમ્યાન ભુતિયા વાસાણા ગામ નજીક પુર ઝડપે પાછળ આવતા અજાણ્યા ડમ્પરે ચાલકે ધડાકાભેર ટક્કર મારતાં ત્રણેય યુવાનો ફંગોળાઈ રસ્તા ઉપર પટકાયાં હતા.માથા સહિત શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા બે મિત્રો સ્થળ ઉપર જ મોતને ભેટ્યા હતાં.એક મિત્રની હાલત ગંભીર હોય 108 સ્થળ ઉપર આવી સારવાર અર્થે હૉસ્પિટલ પહોચાડે પહેલા જ રસ્તામાં મોત થયું હતું.
અજાણ્યા ડમ્પર ચાલક સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
ઘટનાના પગલે સરસ્વતી પોલીસ દોડી આવી મૃતદેહોને પીએમ અર્થે ખસેડી મૃતકના મોટા ભાઈ મહેન્દ્રસિંહ રેવાજી સોલંકી દ્વારા અજાણ્યા ડમ્પર (ટર્બો) સામે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
કોની રહેમ નજરે દોડી રહ્યા છે મોતના ડમ્પર?
પાટણ જિલ્લામાં પુર ઝડપે અને ગફલતભરી રીતે ડમ્પર હંકારી અવાર નવાર અકસ્માત સર્જાતો હોય છે. જેમાં કેટલાય નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવે છે. ત્યારે લોક મુખે ચર્ચાનો એ પણ વિષય છે કે કોની રહેમ નજર હેઠળ આ રેતી ભરેલા ઓવરલોડ ડમ્પર દોડી રહ્યા છે? પાટણ જિલ્લા સહીત રાણી કી વાવ રોડ વિસ્તારમાં પૂર ઝડપે આવા ડમ્પરો દોડી રહ્યા હોવાની ઘણી વાર સ્થાનિક લોકોએ કોર્પોરેટરો, સ્થાનિક પોલીસ સ્ટેશને મૌખિક ફરિયાદ કરી હોવા છતાં આજદિન સુધી જિલ્લામાં આવા ડમ્પર ચાલકો સામે કોઈ જ પ્રકારની કાર્યવાહી કરવામાં ના આવતી હોવાના પણ લોકોએ આક્ષેપ કર્યા છે.