નવસારી જિલ્લાના ચીખલી પોલીસ સ્ટેશન ખાતે બે શકમંદ આરોપીનાં શંકાસ્પદ મોતથી ચકચાર મચી ગઈ છે. બંને શંકાસ્પદ આરોપીઓેએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. રાજ્યના તમામ પોલીસ સ્ટેશન સીસીટીવી થી સજ્જ કરાયા છે, ઉપરાંત પોલીસ સ્ટાફ હાજર હોય ત્યારે બે શખ્સ કેવી રીતે આપઘાત કરી લે તે મોટો સવાલ છે.

બંને શકમંદ આરોપીઓએ સવારે પાંચ વાગ્યાથી આઠ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન વાયરથી ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. એવી પણ માહિતી મળી છે કે બંને શકમંદ આરોપીને પોલીસ કસ્ટડીમાં નહીં પરંતુ પ્રાઇવેટ રૂમમાં રાખવામાં આવ્યા હતા. બનાવ સામે આવ્યા બાદ જિલ્લા પોલીસ વડા, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક અને ડેપ્યુટી કલેક્ટર સહિતના અધિકારીઓ ચીખલી પોલીસ સ્ટેશન ખાતે દોડી આવ્યા છે.

આ સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં આત્મહત્યાના બનાવો સામે પોલીસ શું કરી રહી હતી અને કોઈનું ધ્યાન કેમ ગયું તેને લઇને પણ સવાલો ઉભા થયા છે. માત્ર મિલકત સંબંધી ગુનાને લઈને શકમંદ આરોપી કઈ રીતે આત્મહત્યા કરી શકે તેને લઈને પણ પ્રશ્નાર્થ ઊભો થયો છે.