Election 2021 રંગોળી અને મહેંદી સ્પર્ધાઓ યોજી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવી રહ્યો છે મતદાનનો સંદેશ
મતદાતા જાગૃતિ અભિયાન અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સ્પર્ધાઓ ઉપરાંત મતદાન જાગૃતિ માટે લખવામાં આવી રહ્યા છે પોસ્ટકાર્ડ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે મતદારોને મતદાન માટે પ્રોત્સાહિત કરવા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા મતદાતા જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત જિલ્લાની શાળાના વિદ્યાર્થીઓ દ્વારા જાગૃતિલક્ષી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.
ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલા ચૂંટણી કાર્યક્રમ-૨૦૨૧ અંતર્ગત પાટણ જિલ્લા પંચાયત, ૦૯ તાલુકા પંચાયતો તથા પાટણ અને સિદ્ધપુર નગરપાલિકાની સામાન્ય તથા હારીજ નગરપાલિકાની પેટા ચૂંટણીનું મતદાન આગામી તા.૨૮ ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે.
ત્યારે મતદારોમાં મતદાન અંગેના પોતાના બંધારણીય હક અંગે જાગૃતિ કેળવાય અને ૧૦૦ ટકા મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટીના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં મતદાતા જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
જે અંતર્ગત સ્વેપના જિલ્લા નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રી એ.પી.ઝાલાના નેતૃત્વમાં જિલ્લાની પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા શાળાઓમાં રંગોળી સ્પર્ધા અને મહેંદી સ્પર્ધા યોજાઈ હતી. જેમાં દરેક મતદારે ફરજીયાત મતદાન કરવાનો સંદેશ આપવામાં આવ્યો.
ઉપરાંત મતદારોમાં જાગૃતિ કેળવાય તે માટે મતદારોને પોસ્ટકાર્ડ લખી મતદાન માટે અપીલ કરી હતી. સાથે સાથે મતદાર સહાય બુથ દ્વારા દરેક મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તેવી અપીલ કરવામાં આવી રહી છે.