સિદ્ધિ સરોવરને પર્યટક સ્થળ તરીકે વિકસાવવા સફાઈ કામગીરી કરી રહેલા પાલિકાના સફાઈ કમૅચારીઓ ની માનવતા લક્ષી પ્રવૃત્તિ સરાહનીય બની..
સુસાઇડ પોઇન્ટ તરીકે પંકાયેલા સિદ્ધિ સરોવર ખાતે પાલિકા તંત્ર દ્વારા કાયમી સિક્યુરિટી પોઇન્ટ મૂકવા માંગ..
પાટણ શહેરના સિદ્ધિ સરોવરને ડેવલોપ કરવા માટે હાલમાં પાટણ નગરપાલિકાના માળી કામદારો અને સફાઈ કામદારો દ્વારા તળાવની ફરતે ઉગી નીકળેલા જાળી ઝાંખરા સહિતની ગંદકીને દુર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે બુધવારના રોજ કોઈ મહિલાએ સિદ્ધિ સરોવરમાં આત્મહત્યા કરવા મોતની છલાંગ લગાવતા સિદ્ધિ સરોવર ની સફાઈ કામગીરી કરી રહેલા પાલિકાના કર્મચારીઓના ધ્યાનમાં આ ઘટના આવતાં પાલિકાના સફાઈ કર્મચારીઓએ તાત્કાલિક મહિલાને તળાવમાંથી બહાર કાઢી તેને નવજીવન બક્ષ્યું હતું. જો કે મહિલાએ કયા કારણોસર પોતાના જીવનથી કંટાળી સિદ્ધી સરોવરમાં મોતની છલાંગ લગાવી હોય અને મહિલા કયા વિસ્તારની હોય તે જાણી શકાયું નથી જોકે પાલિકાના સફાઇ કર્મચારીઓની સમયસૂચકતાને કારણે એક મહિલાને આત્મહત્યા કરતા બચાવીને માનવતાનું ઉત્તમ કાર્ય કરતા સફાઇ કર્મચારીઓની કામગીરી સમગ્ર પાટણ શહેરના લોકોમાં સરાહનીય બનવા પામી હતી.
સિદ્ધિ સરોવરમાં મોતની છલાંગ લગાવનાર મહિલા ને બચાવનાર પાટણ નગરપાલિકા માં માળી કામદાર તરીકે ફરજ બજાવતા શૈલેષભાઈ રાણાએ જણાવ્યું હતું કે ઉપરોક્ત મહિલા અગાઉ સિદ્ધિ સરોવરમાં ઝંપલાવવા માટે આવી હતી ત્યારે સિદ્ધિ સરોવર નજીકથી બે મહિલાઓ પસાર થતા તેણીએ આ મહિલાને સમજાવી આત્મહત્યા કરતા અટકાવી હતી.
પરંતુ જીવનથી નાસીપાસ થયેલી આ મહિલાએ ફરીથી નવા સર્કિટ હાઉસ ના ખૂણા ઉપર થી સિદ્ધિ સરોવર અંદર પ્રવેશી મોતની છલાંગ લગાવતા અમારી નજર પડતા તાત્કાલીક અમે ઉપરોક્ત મહિલા ને બચાવી લીધી હતી અને તેના વાલીવારસોને જાણ કરતા તેઓ પણ ઘટનાસ્થળે આવી મહિલા ને સમજાવી પોતાની સાથે લઈ ગયા હતા. સિદ્ધિ સરોવરમાં આત્મહત્યાનો પ્રયાસ કરનાર મહિલા હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રહેતી હોવાનું જાણવા મળ્યું હોવાનું તેઓએ જણાવ્યું હતુ.
પાટણ શહેરના સુસાઇડ પોઇન્ટ તરીકે પંકાયેલા સિદ્ધિ સરોવરમાં અવારનવાર જીવનથી નાસીપાસ થયેલા લોકો મોતની છલાંગ લગાવી પોતાની જીવનલીલા સંકેલી લેતાં હોય છે ત્યારે બુધવારના રોજ વધુ એક મહિલા દ્વારા જીવનથી નાસીપાસ થઈ આત્મહત્યાનો પ્રયાસ કરાયો હોય સિદ્ધિ સરોવરમાં આત્મહત્યાની ઘટનાઓને રોકવા પાલિકા તંત્ર દ્વારા કાયમી ધોરણે સિદ્ધિ સરોવર ખાતે સિક્યુરિટી પોઈન્ટ મુકવામાં આવે તેવી માંગ પ્રબળ બનવા પામી છે.