અમદાવાદ શહેરના જ એક હેડ-નેક ઓન્કો-સર્જન ડોક્ટર જણાવે છે કે, પહેલા જ્યારે કેન્સરના દર્દીઓ આવતા હતા, તેમાંથી મોટાભાગના દર્દીઓની ઉંમર 50 વર્ષ અથવા તેનાથી વધારે હોતી હતી. પરંતુ પાછલા થોડા વર્ષોમાં અમે એવા ઘણાં દર્દીઓ જોયા જેમની ઉંમર હજી 20 અથવા તેની આસપાસ હોય અને તેઓ મોઢું, જીભ વગેરે અંગોમાં કેન્સરનો શિકાર બન્યા હોય. જ્યારે અમે દર્દીઓની હિસ્ટ્રી જાણવાનો પ્રયત્ન કરીએ છીએ તો, મોટાભાગના કેસમાં સામે આવે છે કે દર્દીએ નાની ઉંમરથી તમાકુ ખાવાની શરુઆત કરી લીધી હોય છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ(ICMR) દ્વારા વર્ષ 2020માં એક કેન્સર રજિસ્ટ્રી જાહેર કરવામાં આવી હતી. તેમાં જાણવા મળ્યુ હતું કે, ઉત્તર પૂર્વના રાજ્યોમાં અમદાવાદ શહેરમાં ત્રીજા સૌથી વધારે કેન્સરના દર્દીઓ સામે આવતા હોય છે. ગુજરાત કેન્સર રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ(GCRI)ના આંકડા અનુસાર શહેરના પ્રત્યેક 1 લાખ નાગરિકોમાં 29 મોઢા અને જીભના કેન્સરના દર્દીઓ હોય છે, જ્યારે 28 મહિલાઓ બ્રેસ્ટ કેન્સરનો શિકાર હોય છે.
ગાયનેક ઓન્કોલોજીના પ્રોફેસર ડોક્ટર જણાવે છે કે, પાછલા થોડા વર્ષોમાં અમુક પ્રકારના ગાયનેકોલોજીકલ કેન્સરનો શિકાર લોકો નાની ઉંમરે થઈ જતા હોય છે. આમ થવા પાછળ અનેક પરિબળો જવાબદાર છે. આપણે ત્યાં સમયસર અને નિયમિત બોડી ચેક-એપની આદત લોકોમાં નથી. અમે તમામ મહિલાઓને વિનંતી કરીએ છીએ કે નિયમિત ચેક-અપ કરાવો, જેથી આ પ્રકારની કોઈ સમસ્યા હોય તો પ્રાથમિક તબક્કામાં જ તેની સારવાર શરુ થઈ જાય. ખાસકરીને 40 વર્ષ પછીની મહિલાઓને ખાસ સલાહ આપવામાં આવે છે.
શહેરના નિષ્ણાંત તબીબો જણાવે છે કે, કોરોનાની બીજી લહેર દરમિયાન, કોરોના સંક્રમિત ઘણાં દર્દીઓને કેન્સરના શિકાર હોવાની જાણકારી સામે આવી હતી. તે સમયે મ્યૂકોરમાઈકોસિસની સારવાર કરી હોવા છતાં મોઢામાં નેક્રોસિસ દૂર ન થયું હોવાને કારણે દર્દીઓને વધારે તપાસ માટે ઓન્કો-સર્જન પાસે મોકલવામાં આવતા હતા અને ત્યારે સામે આવતુ હતું કે તે દર્દી ઓરલ કેન્સરનો શિકાર છે. જો કે, આ પ્રકારના દર્દીઓની સંખ્યા 1 ટકાથી પણ ઓછી હતી.