વૃક્ષારોપણ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી, ડીઆરડીએના નિયામક તથા અધિકારીઓ જોડાયા
સમગ્ર વિશ્વમાં ૫ જૂન વિશ્વ પર્યાવરણ દિન તરીકે ઉજવવામાં આવે છે. વધતા જતા શહેરીકરણ અને પ્રદૂષણના સમયમાં વૃક્ષોનું જતન અને સંવર્ધન અગત્યનું છે. શહેરી વિસ્તારોમાં ખુલ્લી જગ્યામાં પર્યાવરણની જાળવણી માટે મોટાપાયે વૃક્ષોનું વાવેતર કરીને પૃથ્વી પર હરિયાળું કવર બની રહે એ માટે વન વિભાગ દ્વારા પ્રયાસો કરવામાં આવે છે.
વિશ્વ પાર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટીએ સરસ્વતી નદીના તટે આવેલ પાટણ વનવિભાગના શહેરી વનીકરણ પ્રોજેક્ટ સાઈટ પર બોરસલ્લીનું વૃક્ષ વાવ્યું હતું. તેમની સાથે જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.પારેખ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ભરત જોશીએ પણ વૃક્ષારોપણ કર્યું હતું.
સરસ્વતી તટ પર આવેલ આ પ્રોજેક્ટ સાઈટ પર ૫.૫ હેક્ટર જમીનમાં ૩૦૦ લીમડાના વૃક્ષો વાવીને તેનો ઉછેર કરવામાં આવી રહ્યો છે. વૃક્ષારોપણના આ કાર્યક્રમમાં નાયબ વન સંરક્ષક બી.એમ.પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારી શૈલેષ પટેલ, જિલ્લા તિજોરી અધિકારી પ્રશાંત રાઠોડ, મામલતદાર ચાર્મી પટેલ અને ચીટનીસ વિધિ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.