ઉમેદવારોનું સમર્થન કરવા માટે પાટણનાં કોંગી ધારાસભ્ય કિરીટ પટેલની અકટાયત કરાઈ છે. કિરીટ પટેલને પોલીસ હેડ ક્વાર્ટર લઈ જવાયા છે.
પરીક્ષામાં ગેરરીતિ થયાનો આક્ષેપ કોંગ્રેસે પુરાવા સાથે કર્યો હતો. જ્યારે આ મામલે પરીક્ષા આપનાર ઉમેદવારોએ પણ સમગ્ર બનાવને ખુલ્લો પાડ્યાનો દાવો કર્યો હતો.
બિનસચિવાલયની પરીક્ષા કૌભાંડના પડઘા ગાંધીનગર સુધી પડ્યા છે. હજારો વિદ્યાર્થીઓ હાલમાં ગૌણ સેવા પસંદગી મંડળના બિલ્ડીંગ બહાર વિરોધ કરી રહ્યા છે.
ગાંધીનગરમાં હોબાળો થતાં પોલીસે 150થી વધુ આંદોલનકારીઓની અટકાયત કરી છે. આ ઉપરાંત 700થી વધારે પોલીસ જવાનોને ગાંધીનગરમાં સ્ટેન્ડ ટુ રખાયા છે.
પોલીસે વિરોધ પ્રદર્શિત કરવા આવેલ ઉમેદવારો ઉપર લાઠી ચાર્જ કર્યો હતો અને તેમને દોડાવી દોડાવીને માર્યા હતા. અહીં એકઠા થયેલા યુવાનો કોઈ ગુનેગારો ન હતા પરંતુ પોતાની વાત રજૂ કરવા આવ્યા હતા ત્યારે તેમની સાથે થઈ રહેલા પોલીસ વર્તન મામલે પ્રશ્નો ઉઠી રહ્યા હતા.
બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ બાદ ઠોસ કાર્યવાહી કરવાની માગ સાથે ગુજરાતભરમાંથી યુવાનો ગાંધીનગર ખાતે આવી પહોંચ્યાં છે.
સોશિયલ મીડિયમા આ અંગેનો મેસેજ વાઈરલ થયો છે.
જેમાં લખવામાં આવ્યું હતું કે, ‘4 ડિસેમ્બર મહારેલી-મહાસંગ્રામ, ભીખ નહીં પણ હક લેવા આવીએ છીએ.’ સોશિયલ મીડિયામાં આ પ્રકારનાં મેસેજ વાઈરલ થતાં પોલીસ તંત્ર પણ હરકતમાં આવી ગયું હતું. જે બાદ આજ સવારથી જ ગાંધીનગરમાં પ્રવેશવાનાં માર્ગો ઉપર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
પોલીસ ગાંધીનગર પહોંચેલાં વિદ્યાર્થીઓની મોટા પ્રમાણમાં અટકાયત કરી રહી છે. તો સાથે જ ગાંધીનગર આવવાનાં રસ્તાઓ ઉપર બેરિકેડ્સ ગોઠવી રહ્યાં છે. જેના કારણે વિરોધ કરવા પહોંચી રહેલાં વિદ્યાર્થીઓને રોકી શકાય. આ અંગે પોલીસનું કહેવું છે કે, ઉમેદવારોને રેલી માટેની કોઈ મંજૂરી આપવામાં આવી નથી. જ્યારે યુવાનોનું કહેવું છે કે, પોલીસે લાઉડસ્પીકર વગર એકઠા થવાની મંજૂરી મળી હતી.