દેશભરમાં મોટા ભાગના રાજ્યોમાં વરસાદ પડવાની શક્યતા
હવામાન વિભાગ દ્વારા દેશના અલગ અલગ રાજ્યોમાં આવનારા ચાર થી પાંચ દિવસ ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.
ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં પૂરની સ્થિતિ
ઉત્તરપ્રદેશમાં ગત ગુરુવારથી ભારે વરસાદ થઇ રહ્યો છે. જેના કારણે 60 લોકોના મોત નીપજ્યા છે. ઉત્તર પ્રદેશના આગ્રા, મેરઠ અને સહારાનપૂરમાં અતિભારે વરસાદ થયો છે. અહીં આગામી ચાર દિવસ સુધી હજુ ભારે વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે.
ઉત્તરાખંડમાં આગામી 60 કલાક સુધી ભારે વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે. ઉત્તરાખંડના ઉત્તરકાશી, નૈનિતાલ, દહેરાદુન અને હરિદ્વારમાં ભારે વરસાદ થવાની આગાહી કરાઈ છે.
હિમાચલ પ્રદેશમાં પણ છેલ્લા પાંચ દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ગત શુક્રવારે કિન્નોર જિલ્લામાં કૈલાસની યાત્રાએ ગયેલા બે શ્રદ્ધાળુઓ નદીના પૂરમાં વહી ગયાની ઘટના બની હતી.
બિહારમાં પણ મેઘરાજાએ મહેર કરી છે. બિહારના પાટનગર પટનામાં છેલ્લી 24 કલાકમાં અત્યાર સુધીનો રેકોર્ડ બ્રેક વરસાદ નોંધાયો છે.
ગુજરાતમાં અઠવાડિયાના વિરામ બાદ ફરી વરસાદ થવાની સંભાવના
ગુજરાતમાં પણ ગત અઠવાડિયામાં ભારે વરસાદ નોંધાયો હતો. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પૂરની સ્થિતિ જોવા મળી હતી. જો કે, છેલ્લા પાંચ દિવસથી મેઘરાજાએ વિરામ લીધો છે ત્યારે હવે આગામી દિવસોમાં ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.
આસામ, કેરળ અને પશ્ચિમ બંગાળમાં પણ આગામી દિવસોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. જેને પગલે આસામમાં બાર, પશ્ચિમ બંગાળમાં આઠ અને કેરળમાં ચાર એનડીઆરએફની ટિમ તૈનાત રાખવામાં આવી છે.