જો બેંકમાં તમારું જનધન ખાતું હોય અને પાછલા કેટલાક મહિનાઓથી તમે એનો ઉપયોગ નથી કરતા તો તમારા માટે આ સમાચાર મહત્ત્વના છે. પંજાબ અને હરિયાણામાં 15 લાખથી વધુ જનધન ખાતાં બંધ થઈ શકે છે, કારણ કે છેલ્લા કેટલાય મહિનામાં આવાં ખાતામાં કોઈ પણ પ્રકારનો વ્યવહાર થયો નથી અને એનું બેલેન્સ પણ જીરો છે.
બેંકિંગ સૂત્રોના જણાવ્યા અનુસાર, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બેંકોના આવા ખાતાધારકોને 30 દિવસની નોટિસ મોકલવાનો આદેશ આપ્યો છે. જો ખાતાધારકે ખાતું ચાલુ રાખવું હોય તો એ નોટિસ મળ્યાના 30 દિવસની અંદર ખાતું ચાલુ કરવાનું રહેશે. જો કોઈ ખાતાધારક તોપણ ખાતું ચાલુ નથી રાખતો તો એનું એકાઉન્ટ બંધ કરી દેવામાં આવશે. RBIનાં ક્ષેત્રીય નિર્દેશક રચના દીક્ષિતે ગુરુવારની બેંકરો સાથેની બેઠકમાં જણાવ્યું હતું કે અગર જીરો બેલેન્સવાળા ખાતાં લાંબા સમય સુધી બેલેન્સ વગરની સ્થિતિમાં હોય તો એના ખાતાધારકોને ખાતા ચલાવવાની નોટિસ અપાશે. નોટિસ બાદ પણ આમ કરવામાં તેઓ નિષ્ફળ ગયા તો તેમનાં ખાતાં બંધ કરી દેવામાં આવશે.
દેશમાં જનધન યોજના હેઠળ કુલ 32 કરોડથી વધુ ખાતાં
નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 15 ઓગસ્ટ, 2014ના રોજ પ્રધાનમંત્રી જનધન યોજનાની જાહેરાત કરવામાં આવી હતી અને ઔપચારિક રીતે 28 ઓગસ્ટ, 2014ના રોજ સમગ્ર દેશમાં અમલ કરવામાં આવ્યો હતો. આ યોજના હેઠળ બેન્કોએ ઘરે ઘરે અને ગામોમાં જઈને લોકોને જોડ્યા હતા. આંકડા મુજબ, જનધન યોજના હેઠળ, દેશના 32 કરોડથી વધુ ખાતાં છે, જેમાં 8 ઓગસ્ટ 2018 સુધી કુલ રૂ.81,197 કરોડ જમા થયા હતા. જેમાંથી 8 ઓગસ્ટ 2018 સુધીમાં કુલ રૂ.81,197 કરોડ જમા થયા હતા.
પંજાબમાં 8.76 લાખ ખાતાં ખાલી
પંજાબમાં આ યોજના હેઠળ કુલ 66.28 લાખ ખાતાં ખોલાયાં હતાં, જેમાંથી લગભગ 8.76 લાખ ખાતાંમાં 30 જૂન, 2018 સુધીમાં જીરો બેલેન્સ રહ્યું હતું. સૌથી વધુ જીરો બેલેન્સ એકાઉન્ટ ICICI બેન્કમાં છે. ત્યાર બાદ કોટક મહિન્દ્રા બેંક, એક્સિસ બેંક, એચડીએફસી બેંક અને આઈડીબીઆઈ બેંકમાં છે. હરિયાણામાં કુલ 65.82 લાખ ખાતાં ખોલાયાં હતાં, જેમાં 30 જૂન 2018 સુધીમાં 6.50 લાખ જીરો બેલેન્સ ખાતાં હતાં.