કોરોનાની (CORONA) મહામારીમાં લૉકડાઉને કારણે સ્કૂલો અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરીને બાળકો અભ્યાસથી વંચિત ના રહી જાય એ માટે ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું.
હવે નવા વર્ષમાં 11 જાન્યુઆરીના રોજ રાજ્યમાં ધોરણ 10 અને 12ની સ્કૂલો શરૂ કરવામાં આવી હતી. School Reopen
ત્યારે આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં ધોરણ 9થી 11ની સ્કૂલ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જ્યારે ધોરણ 9થી 12ના ટ્યૂશન ક્લાસિસને પણ મંજૂરી આપવામાં આવી છે.
રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જાહેરાત કરતા જણાવ્યું કે રાજ્યમાં ધોરણ 9 અને 11ની સ્કૂલો પહેલી ફેબ્રુઆરીથી શરૂ કરાશે. આ સાથે કોરોનાની ગાઈડલાઈન્સ પ્રમાણે, ટ્યૂશન ક્લાસિસ શરૂ કરવાની મંજૂરી પણ આપવામાં આવી છે.
ટ્યૂશન ક્લાસિસ પણ ધોરણ 9થી 12ના જ શરૂ કરવા મંજૂરી આપી છે. ધોરણ 9 અને 11ના વર્ગો શરૂ કરવા માટે 8 જાન્યુઆરીએ શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન્સનું પાલન કરવાનું રહેશે.
ભૂપેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, જે સમરસ હૉસ્ટેલોને કોવિડ માટે ખાલી કરવામાં આવી હતી તેને ફરી શરૂ કરવા મામલે શિક્ષણ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ રિપોર્ટ આપશે બાદમાં નિર્ણય લેવાશે.
ઘણા વિદ્યાર્થીઓ બહારગામથી આવતા હોવાથી ચકાસણી બાદ હૉસ્ટેલો શરૂ કરાશે. ઉલ્લેખનીય છે કે નવા વર્ષમાં 11 જાન્યુઆરીના રોજ રાજ્યમાં ધોરણ 10 અને 12ની સ્કૂલો શરૂ કરવામાં આવી હતી. આ માટે આઠમી જાન્યુઆરીએ શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે.