પાટણના નિવૃત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.એ ચૌધરીએ આર્થિક લાભ માટે ૧૧ શિક્ષકોની મનપસંદ શાળાઓમાં બદલી કર્યાના ગંભીર આરોપોને લઈ નિયામક દ્વારા ઇન્ચાર્જ શિક્ષણાધિકારી પાસે રિપો પોર્ટ માંગતા શનિવારે મોકલાયો હતો.સોમવારે નિયામક દ્વારા નાયબ નિયામક સહિતના અધિકારીઓની ટીમ સ્થળ તપાસ માટે મોકલી હતી.
પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બાબુભાઇ ચૌધરીએ ૩૦મી જૂને વય નિવૃત થયા પહેલા અંતિમ દિવસોમાં નિયમો વિરુદ્ઘ શિક્ષકોની મનપસંદ શાળાઓમાં રાતોરાત ગેરકાયદેસર રીતે બદલી કરી હોવાના હારિજના શિક્ષક નરેશ રાવલે આક્ષેપો કરી લેખિતમાં શિક્ષણ સમિતિના ચેરમેન અને શિક્ષણ વિભાગમાં રજૂઆત કરી હતી.
શુક્રવારે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં થયેલ તમામ શિક્ષકોની બદલીઓની વિગતો શાળામાંથી મંગાવી રિપોર્ટ તૈયાર કરી શનિવારે નિયામકને મોકલાવ્યો હતો. નિયામક દ્વારા રિપોર્ટ આધારે સ્થળ તપાસ માટે નાયબ નિયામકની ટીમ પાટણ જિલ્લા શિક્ષણ વિભાગમાં મૂકી હતી જેમાં નાયબ પ્રાથમિક શિક્ષણ અધિકારી એમ.કે. રાવલ , મદદનીશ નિયામક તેમજ તેમની ટીમ શિક્ષણ વિભાગમાં નાયબ નિયામક અને મદદનીશ નિયામક દ્વારા પૂર્વ શિક્ષણા અધિકારી દ્વારા કરેલી વહીવટી કામગીરી , બદલી અંગેની ફાઈલની તપાસ કરી હતી.
આ અંગે ડીપીઓ બી.એન પટેલે જણાવ્યું કે આજે નિવૃત ડીપીઓ સામે થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈને ગાંધીનગરની ટીમે પાટણ ની મુલાકાત લઈ આ બનાવમાં જરૂરી ડોકયુમેન્ટ કબ્જે કર્યા છે. તેમજ ફાઇલો અને બદલી અંગે થયેલી કાર્યવાહીની તપાસ કરી છે તેનો રિપોર્ટ તૈયાર કરીને નિયામક સમક્ષ રજૂ કરાશે ત્યારબાદ નિયામક દ્વારા રિપોર્ટ આધારે આ અંગે કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું.