પાટણ જિલ્લાના માતૃતર્પણ તીર્થક્ષેત્ર સિધ્ધપુર ખાતે માતૃવંદના મહોત્સવના સમાપન દિવસે સુપ્રસિધ્ધ ગાયિકા કચ્છી કોયલ ગીતા રબારીની શાનદાર ગાયકીએ શ્રોતાઓને આફ્રિન કરી દીધા હતા. હાસ્ય કલાકાર જીતુભાઇ દ્વારકાવાળાએ શ્રોતાઓને હસાવીને ખુશ-ખુશાલ કરી દીધા હતા. છોટા ઉદેપુર અને દાંતા ટીમની આદિવાસી લોક નૃત્યને નિહાળીને શ્રોતાજનો મંત્રમુગ્ધ બન્યા હતા. સાથે બાબુલ બારોટનું જોશીલું લોકસાહિત્ય શ્રોતાઓને ભાવ વિભોર બનાવી દિધા હતા. જિલ્લા વહીવટી તંત્રના સાર્થક પ્રયાસોથી માતૃવંદના મહોત્સવને યાદગાર બનાવ્યો હતો તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કલાકારોને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું.

આ માતૃવંદના કાર્યક્રમમાં રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના રાજયકક્ષાના મંત્રીશ્રી ઇશ્વરભાઇ પટેલે જણાવ્યું હતું કે, ભારત વર્ષમાં માતૃ તર્પણ તીર્થ તરીકે પ્રસિધ્ધ સિધ્ધપુર ખાતે રાજય સરકારે માતૃવંદનાનો કાર્યક્રમ યોજી જન્મ જનનીની મમતાને પ્રાર્થનારૂપી પુષ્પ અર્પણ કરવાનો અવસર ઉભો કર્યો છે. સમગ્ર ભારત વર્ષનું એકમાત્ર માતૃતર્પણ તીર્થ સિધ્ધપુરનું બિંદુ સરોવર છે. રાજય સરકાર દ્વારા શ્રીસ્થળ સિધ્ધપુરને પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવામાં આવી રહયો છે. આ પ્રસંગે પાટણ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી વાસણભાઇ આહીરે જણાવ્યું હતું કે, સિધ્ધપુર તીર્થક્ષેત્ર માતૃતર્પણ તીર્થના વિકાસ માટે રાજય સરકારે પુરતા પ્રયાસો કર્યા છે.
આ ઐતિહાસિક સ્થળને ઉજાગર કરવા રાજય સરકાર દર વર્ષે માતૃવંદના કાર્યક્રમ યોજે છે.સ્વાગત પ્રવચન યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના કમિશ્નરશ્રી હર્ષ વ્યાસે કર્યું હતું. આભારવિધિ પ્રાંત ઓફિસરશ્રી જયેશ તુવરએ કરી હતી. સંકલન જિલ્લા રમત ગમત અધિકારી શ્રી વિરેન્દ્ર પટેલ અને મામલતદાર શ્રી મકવાણાએ કર્યું હતું.
સિધ્ધપુરના ધારાસભ્યશ્રી ચંદનજી ઠાકોર, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી વિનુભાઇ પ્રજાપતિ, ડીસ્ટ્રીકટ જજશ્રી બી.એસ. ઉપાધ્યાય, ફેમીલી કોર્ટના જજશ્રી એ.પી. ગુપ્તા, કલેકટરશ્રી આનંદ પટેલ, સિધ્ધપુર નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન પંડયા, સંગઠ્ઠનના પ્રભારી મયંક નાયક ઉપસ્થિત રહ્યા હતા.








