પાટણ શહેરના જાહેરમાર્ગો પર છેલ્લા કેટલાક સમયથી ભૂગર્ભના ગંદા પાણી રોડ પર રેલાતા હોવાના બનાવો પ્રકાશમાં આવતા હોવા છતાં પાલિકા તંત્રના સત્તાધીશો અને કર્મીઓ ઘોરનિંદ્રામાં પોઢાયા હોય તેવા દૃશ્યો પણ જોવા મળતા હોય છે. ત્યારે પાટણ શહેરના રાધનપુરીવાસ વિસ્તારમાં આવેલ પીપળીવાસમાં છેલ્લા કેટલાક દિવસથી ભૂગર્ભના ગંદા પાણી જાહેરમાર્ગો પર રેલાતાં બિન વરસાદે વરસાદી માહોલ જોવા મળી રહયો છે.
ત્યારે આ વિસ્તારના સ્થાનિક રહીશો સહિત વાહન ચાલકોને ભૂગર્ભના ગંદા પાણી જાહેરમાર્ગો પર રેલાતા આવન-જાવનમાં ખૂબજ હાલાકી પડી રહી છે. ત્યારે દેવીપૂજક સમાજના મહાપર્વ દિવાસાના દિવસે જ પીપળીવાસ વિસ્તારમાં ભૂગર્ભના ગંદા પાણી જાહેરમાર્ગ પર રેલાતાં લોકોની ધાર્મિક આસ્થાને પણ ઠેસ પહોંચી હતી તો આ અંગે સ્થાનિક કોપોરેટરને જાણ કરાતાં તેઓએ ભૂગર્ભ શાખા દ્વારા ભૂગર્ભના ગંદા પાણીનો નિકાલ લાવવાના પ્રયત્નો હાથ ધર્યાં હતા.
પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી ભૂગર્ભના ગંદા પાણી જાહેરમાર્ગો પર રેલાતા અને ગંદા પાણીમાં મચ્છરોનો ઉપદ્રવ વધતાં આજે આ વિસ્તારના ઘરે ઘરે માંદગીના ખાટલા ખટકાયા હોવાનું સ્થાનિક રહીશોએ જણાવી ભૂગર્ભના ગંદા પાણીનો પાલિકા દ્વારા જો કાયમી નિકાલ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં સ્થાનિક લોકો રોગચાળાની ભીતિ પણ સેવી રહયા છે.
તો વોર્ડ નં.૯ના કોપોરેટર નરેશ દવેએ જણાવ્યું હતું કે રાધનપુરી વાસ વિસ્તારમાં આવેલ પીપળીવાસ સહિત કલાનગર સોસાયટીમાં છેલ્લા પંદરથી વીસ દિવસથી ભૂગર્ભના ગંદા પાણી જાહેરમાર્ગો પર રેલાઈ રહયા છે ત્યારે આ અંગે પાલિકામાં કોપોરેટર દ્વારા અનેક રજૂઆતો કરતાં નગરપાલિકાના કોન્ટ્રાકટરના કર્મચારીઓ સળીયા નાંખીને જતા રહેતા હોવાથી પરિસ્થિતિ યથાવત રહેતી હોય છે
જેથી જે તે જવાબદાર કોન્ટ્રાકટરને સ્થળ મુલાકાત લઈ આ વિસ્તારના લોકો કઈ રીતે ગંદકીમાં રહી શકે છે તેનું નિરીક્ષાણ કરવા આહવાન કરી આ ઉભરાતા ભૂગર્ભના ગંદા પાણીનો કાયમી નિકાલ લાવવા શાસક પક્ષના સભ્યોએ એન્જીનીયરને સ્થળ પર લાવી તેનો કાયમી નિકાલ લાવવા ડો.નરેશ દવેએ માંગ કરી હતી.