ચાણસ્મા-મહેસાણા હાઇવે પર આજે સવારના સમયે ભયંકર અકસ્માતની ઘટના બની હતી. ચાણસ્મા તાલુકાના લણવા ગામના પેટ્રોલપંપ નજીક સવારના સમયે કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો બધો ભયંકર હતો કે, ૩ વર્ષિય બાળકી સહિત ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યા હતા. આ તરફ ત્રણ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હોઇ તાત્કાલિક સારવાર અર્થ ખસેડાયા હતા. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થઇ ગયા હતા.
આ તરફ ચાણસ્મા પોલીસે મૃતકોની લાશોને પીએમ અર્થ લણવા પીએચસી સેન્ટર ખાતે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.
પાટણ જીલ્લાના ચાણસ્મા તાલુકાના લણવા ગામે અકસ્માતની ઘટનામાં ત્રણ લોકોના મોત થતાં પંથકમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. મુલથાણિયાનો પાટીદાર પરિવાર કોઇ કામ અર્થ લણવાથી પસાર થતો હોઇ સામેથી આવતી ટ્રક સાથે અકસ્માત થયો હતો. જેમાં કારમાં સવાર પટેલ આશિષકુમાર મનુભાઇ (૪૦), પટેલ જયમિનકુમાર તળશીભાઇ (૩૬) અને દિશાબેન જયમિનભાઇ પટેલ (૩) નું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયુ હતુ. આ તરફ કારમાં સવાર પટેલ મેહુલ રજનીભાઇ (ર૩), પટેલ પિયુષકુમાર પ્રવિણભાઇ (રપ) રૂપાલ (તા.જી.મહેસાણા) અને પટેલ જયમિન આશિષકુમાર (૮) રહે.મુલથાણિયાને ગંભીર ઇજાઓ પહોંચતાં તાત્કાલિક સારવાર અર્થ ખસેડાયા હતા.
સૂત્રોએ જણાવ્યું હતુ કે, વરસાદની સીઝનમાં ચાણસ્મા-મહેસાણા હાઇવે ખખડધજ બન્યો હોઇ અવાર-નવાર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આજે સવારના સમયે સર્જાયેલા અકસ્માતમાં મુલથાણિયા ગામના પાટીદાર સમાજના એકસાથે ૩ લોકોના મોત થતાં ગામ સહિત પંથકમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. આ તરફ અકસ્માત કરી ટ્રક ચાલક નાસી છુટ્યો હોવાની વિગતો પણ સામે આવી છે.
ઘટનાને લઇ ચાણસ્મા પોલીસનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને હાઈવે માર્ગ પર સર્જાયેલા ટ્રાફિક માર્ગને ખુલ્લો કરી વાહન વ્યવહાર રાબેતા મુજબ કરવામાં આવ્યો હતો. તો પાટણ જિલ્લાની હદમાં બનેલી આ દુ:ખદ ઘટનાને પગલે જિલ્લા પોલીસ અધિક્ષાક પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને અકસ્માતની ઝીણવટભરી તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.