સિદ્ઘપુર પંથકમાં છેલ્લા ઘણા સમયથી આરોગ્ય તંત્રની રહેમનજર હેઠળ ડીગ્રી વગરના બોગસ તબીબોનો રાફડો ફાટ્યો હોય તેમ તાલુકાના ગામડાઓમાં ડીગ્રી વગરના બોગસ તબીબો દ્વારા દવાખાના ખોલી ગ્રામ્ય વિસ્તારની પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા હોય છે. ત્યારે આવા તબીબોને પકડી પાડવા સિદ્ઘપુર પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરાતા હોય છે અને તેમના પર લાલ આંખ કરી કાયદેસરની કાર્યવાહી કરી જેલના સળિયા પાછળ ધકેલી દેવાય છે. ત્યારે આવો વધુ એક બોગસ તબીબ સિદ્ઘપુરના મેળોજ ગામેથી ઝડપાયો છે.
સિદ્ઘપુર તાલુકાના મેળોજ ગામે ડીગ્રી વગરના બોગસ તબીબ દ્વારા દવાખાનું ખોલી ગ્રામ્ય વિસ્તારના દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યો છે. તેવી બાતમી સિદ્ઘપુર પોલીસને મળી હતી જેથી સિદ્ઘપુર પોલીસ સ્ટાફ દ્વારા તાલુકાના મેળોજ ગામમાં આવેલા મહાદેવના મંદિર પાસે પ્રજાપતિ પ્રકાશ સોમાભાઈ રહે.સુકુન રેસીડેન્સી, ગણેશપુરા રોડ, સિદ્ઘપુર) વાળા કોઈ પણ પ્રકારની ડીગ્રી ન હોવા છતાં બહુ જન સમુદાયની જિંદગીને ભયમાં મુકી ડોક્ટર તરીકેનો સ્વાંગ રચી લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા થાય તેવો ગુનો કરી ડોક્ટર તરીકે ઘણા સમયથી પ્રેકટીસ કરતો હતો જેને ઝડપી લેવામાં આવ્યો હતો.
પોલીસે બોગસ ડોક્ટરને ઝડપી લઇ તેના દવાખાનામાંથી રૂ.૪૭ હજાર ૭૦૯ની કિંમતની એલોપેથીક દવાઓ તથા રૂ.ર લાખ પ૦ હજારની કિંમત વાળી સ્વીફ્ટ ગાડી સહિતના કુલ રૂ.ર લાખ ૯૭ હજાર ૯૦૭ ના મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ત્યારબાદ આ બોગસ ડોક્ટરની વધુ પૂછપરછ કરતા આ શખ્સ ડોક્ટર ધર્મેન્દ્ર મહેતા પાટણ વાળાના દવાખાનામાં ૧ર વર્ષ સુધી કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતો હતો અને ધોરણ-૧ર સુધી ભણેલો છે. જેથી આ બોગસ તબીબ પર પોલીસ દ્વારા આઈ.પી.સી ની કલમ ૩૩૬ , ૪પ૬ તથા ગુજરાત મેડીકલ પ્રેકટીશનર એક્ટ ૧૯૬૩ની કલમ ૩૦ અને ૩૩ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.