પાટણ જિલ્લામાં જિલ્લા વહીવટીતંત્રએ કોરોના સામે રક્ષણ માટે રસીકરણ અભિયાનને વેગવંતુ બનાવવા પ્રયાસો હાથ ધર્યા છે ત્યારે જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજાએ હારીજ તાલુકાના વિવિધ ગામોની મુલાકાત લઇ જુદા જુદા ગામોના મહોલ્લા શેરી ફળિયા વગેરેમાં જાત મુલાકાત લઇ ગ્રામજનોને માર્ગદર્શન આપી રસીકરણ માટે જાગૃત કરી પ્રોત્સાહન આપ્યું હતું.
જિલ્લા વિકાસ અધિકારીએ કુરેજા ખાતે સબ સેન્ટરની મુલાકાત લેતા રસીકરણની સમીક્ષા કરી હતી. પીપલાણા ખાતે હેલ્થ અને વેલનેસ સેન્ટરની મુલાકાત લઇને તેમજ રસીકરણ માટેની તાલુકાની ટીમ સાથે બેઠક કરી સમીક્ષા કરી હતી. ઠાકોર વાસની મુલાકાત લઇ રસીકરણમાં બાકી લોકોને પ્રોત્સાહન આપ્યું હતું, જેનાથી રસીકરણ પ્રવૃત્તિને વેગ મળ્યો હતો. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નાણા તાલુકો હારીજ ગામે પરા વિસ્તારમાં મુલાકાત લઇ લોક જાગૃતિ અભિયાન હાથ ધર્યું હતું.

તેઓએ જુના કલાણા ગ્રામ પંચાયત ખાતે મુલાકાત લઇ રસીકરણની સમીક્ષા કરી બાકી રહેલા લોકો માટે લોક જાગૃતિ કેળવી રસીકરણ માટે ગ્રામજનોને આહવાન કર્યું હતું. જુનામાકા ખાતે પ્રાથમિક શાળા તેમજ સેન્ટરની મુલાકાત લીધી હતી તેમજ આંગણવાડીની મુલાકાત લઇ મમતા દિવસની કામગીરીની સમીક્ષા કરી હતી તથા રસીકરણ માટે જાગૃતિ અભિયાન હાથ ધર્યું હતું. તેઓ હારીજ તાલુકાના તમામ ગામોમાં સો ટકા રસીકરણ માટે જાગૃતિ અભિયાન દરમિયાન સરપંચ તેમજ પ્રજાજનોને અપીલ કરી હતી.

મુલાકાત દરમિયાન સ્થાનિક કક્ષાએ આરોગ્ય રસીકરણનો સ્ટાફ તેમજ ગામના સરપંચશ્રીઓ તેમજ તલાટી, ગ્રામજનો, શિક્ષકો વગેરે જોડાયા હતા. જિલ્લા વિકાસ અધિકારીની કોરોના અંતર્ગત રસીકરણની અપીલને તેમજ લોક જાગૃતિ અભિયાનને પ્રજાજનોએ ઉમળકાભેર આવકાર્યા હતો. અગાઉ પણ તેઓશ્રીએ દુધારામપુરા, રોડા, રુગનાથપુરા, મણુંદ વગેરે ગામોમાં પણ લોકજાગૃતિ માટે લોક સંપર્ક કર્યો હતો.