પાટણ શહેર ફરી એકવાર ખાડાનગરી બની ગયું હોવાના અહેવાલો પીટીએન ન્યૂઝમાં પ્રસારીત થતાં પાલિકા તંત્ર સફાળુ જાગીને ગતરોજ બાંધકામ સમિતિના ચેરમને સહિત પાલિકા પ્રમુખ અને સભ્યોએ તાબડતોડ મિટીંગ બોલાવી પાટણ શહેરના તમામ વોર્ડમાં પડેલા ખાડાઓને તાત્કાલિક ધોરણે પુરવાની તૈયારીઓ દર્શાવી હતી.
જેના ભાગરુપે આજરોજ શહેરના આનંદ સરોવર પાસે ધાબામાં વપરાતા આરસીસી મટીરીયલના માલનું મિક્ષિાંગ કરીને શહેરના વોર્ડમાં પડેલા ખાડાઓ પુરવા માટે જુદીજુદી છ જેટલી ટીમોને તૈનાત કરવામાં આવી છે અને પાટણ શહેરના તમામ વોર્ડ ઈન્સ્પેકટરોને પોતાના વોર્ડ વિસ્તારમાં પડેલા મસમોટા ખાડાઓનો અહેવાલ સુપ્રત કરી તે ખાડાઓનું તાત્કાલિક પિચીંગ કરીને પુરાણ કરવામાં આવે તેવી સૂચનાઓ પણ આપવામાં આવી છે.
ત્યારે પાટણ શહેરમાં પડેલા ખાડાઓમાં પુરવા માટેનું મટીરીયલ આનંદ સરોવર ખાતેથી લઈ જઈ જે તે વોર્ડ વિસ્તારોમાં ખાડા પુરવાના કામનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં આજરોજ વોર્ડ નં.૧ થી ૬માં પડેલા તમામ ખાડાઓનું પિચીંગ કામ કરીને ખાડા પુરવાનું કામ કરવામાં આવનાર હોવાનું પાલિકાના ઉપપ્રમુખ ધર્મેશ પ્રજાપતિએ જણાવી ખાલકપુરા વિસ્તારમાં સ્ટ્રોમ ડ્રેનેજ વોટર લાઈન અને ભૂગર્ભની લાઈન નંખાતી હોવાથી ત્યાં ખાડાઓ પડવા સ્વાભાવિક હોવાનું જણાવી એક બે દિવસમાં ભૂગર્ભ ગટરનું કામ પૂર્ણ થઈ ગયા બાદ આ વિસ્તારના પણ તમામ ખાડાઓ પુરવાની તૈયારી દર્શાવી હતી.
જોકે ભૂગર્ભના કામમાં વરસાદ વિલન બનીને અવિરત પણે વરસતો હોઈ કોન્ટ્રાકટર દ્વારા ભૂગર્ભની ચેમ્બર બનાવવી મુશ્કેલ હોઈ ભૂગર્ભનું કામ પૂર્ણ થતું નથી. જો કે કોન્ટ્રાકટર આ કામ વહેલી તકે પૂર્ણ કરવા માંગે છે પરંતુ સામાન્ય વરસાદમાં પણ આખા શહેરનો વરસાદી પાણીનો નિકાલ આ વિસ્તારમાંથી જ થતો હોઈ આજુબાજુના રહીશોની ખાડા ખોદવાના કારણે મિલ્કતોને નુકશાન થવાની ભીતિ હોવાથી તેઓ ચેમ્બર બનાવી શકતા ન હોવાનો પણ અફસોસ વ્યકત કર્યો હતો. આમ,
પાટણ ફરીથી ખાડા નગરી બની હોવાના અહેવાલના પગલે પાલિકા તંત્ર સફાળુ જાગીને આજથી શહેરમાં પડેલા તમામ ખાડાઓને પુરવાની કામગીરીનો આરંભ કરવામાં આવ્યો છે.