રાધનપુર તાલુકામાંથી પસાર થતી બ્રાંચ કેનાલોમાં કેટલીક જગ્યાએ મસ મોટા ગાબડાઓ પડેલા જોવા મળી રહ્યા છે. ત્યારે નર્મદા નિગમ દ્વારા કેનાલોમાં પાણી છોડવામાં આવે છે જો મુખ્ય કેનાલમાં પડેલા ગાબડા ને કારણે કેનાલ તુટે તો વિસ્તારના ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકશાની વેઠવાનો વારો આવવાની શકયતાઓ રહેલી છે જેથી નિગમ દ્વારા કેનાલોમાં પડેલા ગાબડાઓને તાત્કાલિક રીપેરીંગ કરવામાં આવે તેવી ખેડૂતો દવારા માંગ ઉઠવા પામી છે.
રાધનપુર સાંતલપુર પંથકમાંથી પસાર થતી નર્મદા કેનાલોમાં પડેલા ગાબડાં બાબતે નર્મદા નિગમની બેદરકારીને લઈને ખેડૂતોને નુકશાની વેઠવાનો વારો આવે છે. બંને તાલુકામાં નર્મદા નિગમની કેનાલો ની સફાઈ રીપેરીંગ તેમજ ગેટમેન બાબતે નિગમ દ્વારા મહેસાણાની સર્જન ઇન્ફ્રાટેક નામની એજન્સી ને કામગીરી સોંપવામાં આવેલી છે. ચોમાસા બાદ નર્મદાની કેનાલોની સફાઈ તેમજ કેનાલોમાં પડેલા ગાબડાઓનું રીપેરીંગ કામ એજન્સી દ્વારા કરવાનું હોય છે પરંતુ રાધનપુર તાલુકાના સુરકા ગામની સીમમાંથી પસાર થતી નર્મદા નિગમની રાધનપુર બ્રાન્ચ કેનાલમાં ઠેર ઠેર ગાબડા પડેલા જોવા મળી રહ્યા છે. તાલુકામાં બ્રાન્ચ કેનાલ ની હાલત જોતા કોન્ટ્રાક્ટર દ્વારા રીપેરીંગની કામગીરી ક્યારેય કરવામાં ન આવી હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહયું છે.
રવી સીઝનને લઈને નિગમ દ્વારા કેનાલોમાં પાણી છોડવામાં આવેલું છે પરંતુ બ્રાન્ચ કેનાલમાં પડેલા ગાબડા ને જોતા કેનાલ તૂટે તો કેનાલની આજુબાજુના ખેતરમાં કરવામાં આવેલ વાવેતર મા પાણી ફરી વળે અને ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થાય તેવું ખેડૂતોએ જણાવ્યું હતું. બ્રાન્ચ કેનાલમાં પડેલા ગાબડા નું તાત્કાલિક ધોરણે રીપેરીંગ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. વિસ્તારના અગ્રણી સુરેશભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે છેલ્લા એકાદ વર્ષથી નર્મદા નિગમની કેનાલો રીપેરીંગ કામ માં ખૂબ જ મોટા પ્રમાણમાં ગેરરીતિ આચરવામાં આવેલી છે એજન્સી અને નિગમના અધિકારીઓની મિલીભગતને કારણે ખેતીની સિઝન ટાણે વારંવાર કેનાલો તૂટે છે જેને લઇને ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવે છે કેનાલો ના રીપેરીંગ કામની કામગીરી બાબતે તપાસ થવા અમારા દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરવામાં આવેલી છે પરંતુ નિગમના સ્થાનિક અધિકારીઓ દ્વારા કોન્ટ્રાક્ટરને છાવરવામાં આવતો હોવાના આક્ષેપો ખેડૂતો દ્વારા કરવામાં આવ્યા હતા.