સાંતલપુરના પીપરાળા ચેક પોસ્ટ પરથી એલસીબીની ટીમે મુન્દ્રાથી રાધનપુર લઈ જવામાં આવી રહેલો ગેરકાયદેસર બાયોડીઝલનો શંકાસ્પદ જથ્થો ઝડપી પાડયો હતો. પોલીસે ટેન્કરમાંથી 18 હજાર લિટર બાયોડીઝલના જથ્થા સાથે બે ઈસમોની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. એક બાજુ પેટ્રોલ-ડીઝલની હાલ અછત જોવા મળી રહી છે. ત્યારે બીજી બાજુ પોલીસે મોટા પ્રમાણમાં શંકાસ્પદ બાયોડીઝલનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર મુન્દ્રાથી રાજસ્થાન તરફ શંકાસ્પદ બાયોડીઝલની હેરફેર થતી હોવાની એલસીબી પોલીસને મળેલી બાતમીના આધાર પર સાંતલપુર તાલુકાના પીપરાળા ચેક પોસ્ટ પર પોલીસે વોચ ગોઠવી હતી. તે સમયે રાત્રીના અઢી વાગ્યાના સમય ગાળા દરમિયાન એક ટેન્કર આવતા તેની તપાસ કરાઈ હતી. જેમાં 10,58,328ની કિંમતનું શંકાસ્પદ 18,967 લિટર બાયોડીઝલનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે બાયોડીઝલનો જથ્થો તેમજ 15,00,000/-કિંમતનું ટેન્કર મળી કુલ 25,58,328નો મુદ્દામાલ સાથે બે ઈસમોને ઝડપી લીધા હતા.
શંકાસ્પદ બાયોડીઝલનો જથ્થો ઝડપાતા સાંતલપુર મામલતદાર, મુખ્ય પુરવઠા નિરીક્ષક સહિતનો સ્ટાફ પોલીસ સ્ટેશન દોડી ગયો હતો અને શંકાસ્પદ જથ્થાનું સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યું હતું. લાખોની કિંમતનું બાયોડીઝલનો શંકાસ્પદ જથ્થો ઝડપાતા સાંતલપુર પોલીસ સ્ટેશને ફરીયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરાઈ હતી.