ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. ભાજપ દ્વારા બીજી યાદીમાં કુલ છ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. ધોરાજીથી મહેન્દ્ર પાડલિયા, ખંભાળિયાથી મુળુબાઈ બેરા, કુતિયાણાથી ઢેલીબેન ઓડેદરા, ભાવનગર પૂર્વથી સેજલ પંડ્યા, ડેડિયાપાડાથી હિતેશ વસાવા, ચોર્યાસીથી સંદીપ દેસાઈને ટિકિટ આપવામાં આવી છે. આમ, અત્યાર સુધી ભાજપ દ્વારા કુલ 166 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે.
ભાજપે પહેલી યાદીમાં 14 મહિલાઓને ટીકિટ આપી છે. જ્યારે બીજી યાદીના 6 ઉમેદવારોમાં બે મહિલાને ટીકિટ મળી છે. જેમાં ભાવનગર પૂર્વ સીટ પર વિભાવરીબેન દવેની જગ્યાએ હવે સેજલબેન પંડ્યાને ટીકિટ મળી છે. તે ઉપરાંત કુતિયાણા બેઠક પર ઢેલિબેન ઓડેદરાને ટીકિટ આપવામાં આવી છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને (gujarat election 2022) લઈને ચૂંટણી પંચે મતદાર સુધારણા કાર્યક્રમ બાદ મતદારોની અંતિમ યાદી જાહેર કરી હતી. પંચ તરફથી જાહેર કરવામાં આવેલી યાદીમાં, રાજ્યમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. આ સાથે જ, રાજ્યમાં 11,62,528 નવા મતદારો નોંધાયા છે. કુલ મતદારોમાં 2,53,36,610 પુરૂષ અને 2,37,51,738 મહિલા મતદારો સામે આવ્યા છે. જેમાં, 4 લાખથી વધુ વિકલાંગ મતદારો પણ નોંધાયા છે. કુલ મતદારોમાં 1,417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ છે.