111 feet tall Gold-coated Mahadev Statue Vadodara વડોદરા શહેરના સુરસાગર તળાવના મધ્યમાં આવેલી 111 ફૂટની શિવજીની પ્રતિમાને 12 કરોડ રૂપિયાના ખર્ચે સુવર્ણજડિત કરવામાં આવી છે. મહાશિવરાત્રિ પર્વ પહેલાં જ પ્રતિમાનું કપડાનું આવરણ દૂર કરવામાં આવ્યું છે. જોકે પ્રતિમાનું લોકાર્પણ 18 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિ પર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે. શિવજીની પ્રતિમાને સુવર્ણજડિત કરવા માટે 17.5 કિલો સોનું વપરાયું હતું. સુવર્ણ જડિત શિવજીની પ્રતિમાનો અદભૂત આકાશી નજારો ડ્રોન કેમેરામાં કેદ થયો હતો.
દેવાધિદેવ મહાદેવની આરાધના કરવાના મહાપર્વ મહાશિવરાત્રિના પાવન દિવસે પરંપરાગત રીતે નીકળતી શિવજી કી સવારીની તડામાર તૈયારીઓ સત્યમ શિવમ સુંદરમ સમિતિ દ્વારા શરૂ કરવામાં આવી છે. એની સાથે શહેરના મધ્યબિંદુ સુરસાગર સ્થિત શ્રી સર્વેશ્વર મહાદેવની 111 ફૂટ ઊંચી પ્રતિમા હવે સુવર્ણજડિત થઈ જતાં મહાશિવરાત્રિ પર્વે એનું લોકાર્પણ કરવામાં આવશે. લોકાર્પણ પહેલાં આજે પ્રતિમાને ખુલ્લી મૂકવામાં આવતાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે ઊમટી પડ્યા હતા.
સુરસાગર તળાવના મધ્યે બિરાજમાન શ્રી સર્વેશ્વર મહાદેવની 111 ફૂટની પ્રતિમા, પ્લેટફોર્મ અને સ્તંભોની રચનાને ‘અષ્ટસિદ્ધિ યંત્ર’ વિદ્યા પર રચવામાં આવી છે. પ્રતિમા અને એના પ્લિન્થથી માંડીને સંપૂર્ણ સ્ટ્રક્ચરને બનાવવામાં અંકશાસ્ત્ર, જ્યોતિષવિજ્ઞાન, ગ્રહવિજ્ઞાન, રંગવિજ્ઞાન, સ્પંદનશાસ્ત્ર અને રાશિ-કુંડલીનો સહારો લેવામાં આવ્યો છે. મૂળ ઓડિશાના કારીગર રાજેન્દ્ર નાયક અને તેમની ટીમ દ્વારા પ્રતિમાને સુવર્ણજડિત કરવાનું આ કામ કરવામાં આવ્યું હતું. રાજેન્દ્ર નાયક અને તેમની ટીમે અંબાજી, શેરડી સાંઈબાબા મંદિર સહિત દેશનાં 50 જેટલાં ધાર્મિક સ્થળોમાં સોનાનું આવરણ ચઢાવવાનું કામ કર્યું છે.