પાટણ જિલ્લાના હાઇવે માર્ગો પરથી પૂર ઝડપે પસાર થતા વાહન ચાલકો દ્વારા અવારનવાર નાના મોટા માર્ગ અકસ્માતના બનાવ સર્જાતા હોય છે ત્યારે આજે સવારે પાટણ ના સાંતલપુર-પીપરાળા હાઇવે માર્ગ નંબર 27 પર બે ટ્રક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે વ્યક્તિના મોત નીપજયા હોવાનું જાણવા મળ્યું છે.
આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ જિલ્લાના સાંતલપુર-પીપરાળા નેશનલ હાઈવે નંબર 27 પરથી સોમવારની સવારે પસાર થયેલ બે ટ્રકો વચ્ચે અગમ્ય કારણોસર અકસ્માત સર્જાતા બે વ્યક્તિઓના ઘટના સ્થળે કરુણ મોત નીપજયા હતા. તો આ અકસ્માતમાં બંને ટ્રકનો આગળનો ભાગ કચ્ચરઘાણ વળી જવા પામ્યો હતો.
નેશનલ હાઇવે માર્ગ પર સર્જાયેલા આ ગમખ્વાર અકસ્માતના પગલે લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઊમટી પડ્યા હતા. તો બનાવના પગલે પોલીસ તંત્ર એ ઘટના સ્થળે દોડી આવી અકસ્માત ગ્રસ્ત બંને ટ્રકોને માર્ગ પરથી દૂર ખસેડી ટ્રાફિકને હળવો કરવાના પ્રયાસોની સાથે મૃતક બંને ઈસમો ના પંચનામા કરી આગળની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.