Gandhidham to Haridwar Train will Now Stop at Santalpur and Radhanpur : રેલ્વે વિભાગ દ્વારા ગાંધીધામ -હરિદ્વાર સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન શરુ કરવાનો નિર્ણય થતાં રાધનપુર-સાંતલપુર અને સમી તાલુકાના દિલ્હીમાં રહેતાં દસ હજારથી વધુ લોકોને ફાયદો થશે.આ ઉપરાંત અજમેર શરીફ, હરિદ્વાર તેમજ ધાર્મિક પ્રસંગોએ જતાં શ્રદ્ધાળુઓને પણ આ ટ્રેન શરુ થતાં લાભ મળશે.
ગાંધીધામથી હરિદ્વાર ટ્રેન ભચાઉ, સામખિયાળી, આડેસર, સાંતલપુર, રાધનપુર, દિયોદર, ભીલડી અને ધાનેરા સહિતના સ્ટોપજ આપવામાં આવ્યા છે. જેનો સૌથી મોટો લાભ રાધનપુર-સાંતલપુર અને સમી તાલુકાના દસ હજારથી વધુ લોકો દિલ્હીમાં ધંધાર્થે સ્થાયી થયેલા છે એમને થશે. આ ત્રણેય તાલુકાના લોકો દિલ્હીમાં જહાંગીરપુરી, આદર્શનગર, ભીષ્મ કોલોની તેમજ અન્ય વિસ્તારોમાં સ્થાયી થયેલા છે. આ લોકોને સમાજિક કે ધાર્મિક પ્રસંગે અવર-જવર કરવી પડતી હોઈ અગવડ પડતી હતી.
આ ટ્રેન શરુ થતાં સગવડ મળી રહેશે. રાધનપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કાનજીભાઈ પરમાર દ્વારા આ બાબતે રેલવે મંત્રી અને મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. ગાંધીધામ-હરિદ્વાર સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન ઉપરાંત ગાંધીધામ-પાલનપુર ઇન્ટરસીટી ટ્રેનને પણ ભુજ-અજમેર કરવામાં આવી હોવાથી તેનો લાભ પણ લોકોને મળશે.