Vadodara : પાદરા તાલુકાના ધોબીકૂવા ગામની સીમમાં રહેતા અને ખેતમજૂરી કરીને ગુજરાન ચલાવતા પરિવારમાં માતા-દીકરીને વીજ કરંટ લાગતા મોત નિપજ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન પાંચ મિનિટના અંતરમાં જ માતા-દીકરીના મોત નિપજ્યા હતા. માતા-દીકરીના સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવતા પરિવારજનો અને સમાજના લોકોમાં ગમગીની ફેલાઇ ગઇ હતી.
મળેલી માહિતી પ્રમાણે ધોબીકૂવા ગામની સીમમાં છત્રસિંહ ભારતસિંહ પઢીયાર પત્ની ઉષાબહેન છત્રસિંહ પઢીયાર (ઉં.વ.39) અને બે દીકરી નયનાબહેન પઢીયાર (ઉં.વ.19) સહિત ચાર વ્યક્તિ રહે છે. છત્રસિંહ પઢીયાર ખાનગી કંપનીમાં નોકરી કરે છે. જ્યારે પરિવારના અન્ય સભ્યો ખેત મજૂરી અને પશુપાલનનું કામ કરી પરિવારમાં મદદરૂપ થાય છે.
હાલ ચોમાસાની મોસમ હોઇ ભેજવાળું વાતાવરણ હોવાના કારણે તાર ઉપર વીજ કરંટ ઉતર્યો હતો. નયનાબહેન ધોયેલા કપડાં તાર ઉપર સૂકવવા જતાં જ તાર સાથે કપડાં ધોઇ રહેલી માતા ઉષાબહેન પડી હતી. જેથી ઉષાબહેનને પણ પેટના ભાગે કરંટ લાગ્યો હતો. વીજ કરંટ લાગતા જ માતા-દીકરીએ મરણ ચીસ પાડતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. ગંભીર રીતે દાઝી ગયેલી માતા-દીકરીને પ્રથમ મહુવડ ચોકડી પાસેની હોસ્પિટલમાં લઇ ગયા હતા.
માતા-દીકરીના મૃતદેહોનું પોસ્ટમોર્ટમ થયા બાદ પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવ્યા હતા. પરિવારજનો દ્વારા એક સાથેજ માતા-દીકરીની અંતિમ યાત્રા કાઢી અંતિમ સંસ્કાર કર્યા હતા. ઘર આંગણેથી માતા-દીકરીની સાથે અંતિમ યાત્રા નીકળતા અરેરાટી વ્યાપી ગઇ હતી. ચકચાર જગાવી મૂકનાર આ બનાવ અંગે વડુ પોલીસે અકસ્માતે મોતના કાગળો તૈયાર કરી કાર્યવાહી હાથ ધરી છે.