અમિત શાહે ગાંધીનગર બેઠક અને સ્મૃતિ ઈરાનીએ અમેઠી બેઠક પર લોકસભા ચૂંટણી જીતતા રાજીનામા આપ્યા છે. જેને પગલે રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે. જેને લઈને ભાજપે એક બેઠક પર કેન્દ્રિય વિદેશમંત્રી એસ જયશંકર અને બીજી બેઠક પર મહેસાણાના ઠાકોર સમાજના નેતા જુગલ લોખંડવાલા (ઠાકોર) ની પસંદગી કરી છે.
આજે બંને ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. ઉમેદવારી પહેલા બંને ઉમેદવારો મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળ્યા હતા. જ્યારે કોંગ્રેસ પણ પોતાના બે ઉમેદવારોને પેટાચૂંટણીમાં ઉતારશે. જેમાં એક બેઠક પર ગૌરવ પંડ્યા અને બીજી બેઠક પર ચંદ્રિકાબેન ચુડાસમા ઉમેદવારી કરે તેવી રાજકીય ચર્ચાઓ ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે પેટાચૂંટણીને અલગ અલગ બેલેટ પેપરથી ચૂંટણી યોજવા સામે કોંગ્રેસને સુપ્રીમ કોર્ટે રાહત આપી ન હતી અને હાઈકોર્ટમાં કેસ દાખલ કરવા જણાવી અરજી ફગાવી હતી.
કેન્દ્રીયમંત્રી અને ભાજપાના રાજ્યસભાના ઉમેદવાર એસ જયશંકર અને રાજ્યસભાના ઉમેદવાર જુગલજી ઠાકોરે મુખ્યમંત્રી નિવાસસ્થાને વિજય રૂપાણીની શુભેચ્છા મુલાકાત કરી હતી. જેમાં તેમની સાથે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયા,પ્રદેશ મહામંત્રી કે.સી. પટેલ, કેબિનેટમંત્રીઓ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આર.સી.ફળદુ તથા ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા.
પેટાચૂંટણી માટે ભાજપે મહેસાણાના ઠાકોર સમાજના નેતા જુગલ લોખંડવાલા(ઠાકોર)ની પસંદગી કરી છે. આ નામ જાહેર થતાંની સાથે જ ભાજપમાં અલ્પેશ ઠાકોરનું કદ જોડાયા પહેલાં જ વેતરાવાની શરૂઆત થઇ ચૂકી છે. ભાજપના વરિષ્ઠ નેતાએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું કે અલ્પેશ ભાજપમાં જોડાવવાના નામે કોઇ ભેદી રમત રમતો હોવાનું ચિત્ર ઉપસ્યું હતું. આવાં સંજોગોમાં તેને મોટો કરવાને બદલે પાર્ટીએ પોતાના જ કાર્યકર્તાને અલ્પેશની સામે જવાબ તરીકે ઉતારવાનું પસંદ કર્યું છે.
જુગલ વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા છે અને સાથે ઠાકોર સમાજના મૂક સેવક અને દાનેશ્વરીની છાપ ધરાવે છે. ભાજપના આંતરિક સૂત્રોએ જાણકારીને સમર્થન આપતાં જણાવ્યું કે જૂગલ લોખંડવાલા મૂળે ભાજપના પાયાના કાર્યકર્તા છે અને પ્રદેશના ઓબીસી મોરચામાં મંત્રી તરીકે કાર્યરત છે. તેઓએ ક્યારેય કોઇ માગ કરી નથી બલ્કે પક્ષના આદેશોનું તેઓ પાલન કરતા આવ્યા હોવાથી તેમની વફાદારીનો આ રીતે બદલો આપવામાં આવ્યો છે.
રાજ્યસભાની બે ખાલી પડેલી બેઠકો માટે યોજાઇ રહેલી પેટાચૂંટણી માટે ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે. ભાજપ તરફથી પહેલા ઉમેદવાર તરીકે કેન્દ્રીય વિદેશમંત્રી એસ જયશંકરનું નામ પહેલેથી જ નક્કી હોવાથી તેમનું નામાંકન રજૂ કરશે. જ્યારે બીજા ઉમેદવાર પણ આ સાથે જ પોતાનું નામાંકન દાખલ કરશે. કોંગ્રેસ પણ એક ઉમેદવારને મેદાનમાં ઉતારે તેવી વકી છે. આ ચૂંટણી માટે મતદાન ગુજરાત વિધાનસભામાં પાંચમી જૂલાઇના રોજ યોજાશે.
ગુજરાતમાંથી રાષ્ટ્રીય નેતાને રાજ્યસભામાં મોકલવાનું ચલણ છે. અગાઉ અરુણ જેટલી, સ્મૃતિ ઇરાની પણ ગુજરાતમાંથી રાજ્યસભામાં ગયા હતા. એટલે આ વખતે વિદેશમંત્રી જયશંકરને ઉતારાયા છે. વિદેશ સચિવ રહી ચૂકેલા જયશંકર અમેરિકાના રાજદૂત પણ રહી ચૂક્યા છે. વિદેશ નીતિના નિષ્ણાત ગણાય છે. બીજીબાજુ અલ્પેશ ઠાકોર માટે હવે આ નવો પડકાર ઊભો થશે કારણ કે ઉત્તર ગુજરાતમાંથી જ ઠાકોર સમાજનું એક મજબૂત નેતૃત્વ જુગલના નામે ઊભું થશે. જુગલ ઠાકોર ગુજરાત ક્ષત્રિય ઠાકોર વિકાસ સંઘ સંસ્થાના પ્રમુખ છે. જુગલના પિતા મથુરજી કોંગ્રેસમાં હતા. લોખંડનો વ્યવસાય હોવાથી લોખંડવાલા અટક અપનાવી છે.
કોંગ્રેસ હાઇકમાન્ડ નક્કી કરશે ઉમેદવારોના નામ
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ સોમવારે મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, ગુજરાતની રાજ્યસભાની બે બેઠકો માટે કોંગ્રેસના ઉમેદવારોના નામની પસંદગી હાઇકમાન્ડ તરફથી કરવામાં આવશે. આને લઈને આજે બપોરે વિપક્ષના નેતા પરેશ ધાનાણીની ચેમ્બરમાં કોંગ્રેસના ધારાસભ્યોની એક બેઠક મળશે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.