નોરતા વાંટા, બોરસણ, નાગવાસણા, દેથલી ગામોના જળસંચયના કામોની મુલાકાત લીધી
સિધ્ધપુર પ્રાંત કચેરી ખાતે ભારત સરકારના નોડલ ઓફિસર જોઈન્ટ સેક્રેટરીશ્રી રીના એસ. પુરીના અધ્યક્ષસ્થાને જળ શક્તિ અભિયાન અંગેની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જુદા જુદા વિભાગો દ્વારા જળ શક્તિ અભિયાન અંગેની યોજનાઓ વિષે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
જોઈન્ટ સેક્રેટરીશ્રી રીના એસ. પુરીએ પાટણ જિલ્લામાં સુજલામ્-સુફલામ્, નર્મદા અને ટ્યુબવેલ દ્વારા પાણી પુરવઠો ઉપલબ્ધ કરવામાં આવે છે ત્યારે વરસાદના પાણીનો સંગ્રહ કેવી રીતે કરવો, તે પાણીનો ફરીથી ઉપયોગ થાય તે માટે શું શું કરવુ જોઈએ, ગામનું પાણી ગામ અને ખેતરનું પાણી ખેતરમાં રહે તે પ્રકારની કામગીરી હાથ ધરવા અનુરોધ કર્યો હતો.
કેન્દ્ર સરકારે રચેલી કમીટી દ્વારા દેશના ૨૫૦ જિલ્લાઓમાં ભુગર્ભ જળના સ્તર નીચે જવાથી જનભાગીદારીથી જળસંચયના કામો કરી જળ સ્તર ઉંચા લાવવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. ભારત સરકાર દ્વારા ગુજરાત રાજયના પાંચ જિલ્લાઓની પસંદગી કરી જળસંચયના કામોને વેગ આપવામાં આવી રહયો છે. જેમાં પાટણ જિલ્લાનો સમાવેશ થતાં ભારત સરકારના જોઈન્ટ સેક્રેટરીશ્રી રીના એસ. પુરી ત્રણ દિવસ સુધી પાટણ જિલ્લામાં ચાલતા જળસંચયના કામોની મુલાકાત લઇ રહયા છે.
ભારત સરકારના જોઈન્ટ સેક્રેટરીશ્રી રીના એસ. પુરીએ પાટણ તાલુકાના નોરતા વાંટા, બોરસણ ગામે મનરેગા હેઠળ બનેલ ચેકડેમની મુલાકાત લીધી હતી. ગ્રામજનોની મુલાકાત લઇ જળસંચય અંગેની વિગતો મેળવી હતી. આ ઉપરાંત સિદ્ધપુર તાલુકાના નાગવાસણ ગામ ખાતે વનવિભાગ દ્વારા સામાજીક વનીકરણ યોજના હેઠળ ઉછેરવામાં આવી રહેલા વૃક્ષો તથા તેના સંવર્ધનની કામગીરી નિહાળી હતી. ત્યાર બાદ દેથળી ખાતે રોપા ઉછેર કેન્દ્રની મુલાકાત લઈ વનવિભાગ દ્વારા આગામી સમયમાં કરવામાં આવનાર વૃક્ષારોપણ કાર્યક્રમની રૂપરેખા મેળવી હતી.
આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારીશ્રી એઝાઝ રાજપરા, મામલતદારશ્રી બી.એસ.મકવાણા, વનવિભાગના ડીસીએફ જે.એસ.રાજપૂત, પાણી પુરવઠા વિભાગના અધિકારીશ્રી પી.આઈ.પટેલ, સિંચાઈ વિભાગના એક્ઝીક્યુટીવ એન્જીનિયરશ્રી શ્રોફ, તાલુકા પંચાયત તથા નગર પાલિકાના પ્રમુખશ્રીઓ, ગામના સરપંચો, તલાટી કમ મંત્રીશ્રીઓ તથા અન્ય અધિકારીગણ હાજર રહ્યા હતા.