અમદાવાદ : વાસણામાં 2 દિવસ પહેલા સ્કુલેથી ઘરે જઈ રહેલી કિશોરીને સરનામુ પુછવાના બહાને છેડતી કરીને ભાગી ગયેલા રીક્ષા ચાલકની પોલીસે ધરપકડ કરી હતી. કિશોરીએ જણાવેલા વર્ણન અને સીસીટીવી ફુટેજના આધારે વાસણા પોલીસે ગણતરીના કલાકોમાં જ રીક્ષા ચાલક યુવાનને ઝડપી લીધો હતો.
વાસણામાં રહેતી 13 વર્ષની કિશોરી ધોરણ- 8 માં અભ્યાસ કરતી હતી. 2 દિવસ પહેલા આ કિશોરી સાંજે સ્કુલેથી છુટીને ચાલતી ઘરે જઈ રહી હતી. ત્યારે એક રીક્ષા ચાલક તેની પાસે સરનામુ પુછવાના બહાને આવ્યો હતો. ત્યારબાદ તેણે કિશોરીની છેડતી કરી હતી. જો કે કિશોરીએ બુમાબુમ કરતા રીક્ષા ચાલક ત્યાંથી ભાગી ગયો હતો.
આ અંગે કિશોરીએ ઘરે જઈને માતા – પિતાને જાણ કરી હતી. જ્યારે આ ઘટનાના પગલે ભારે હોબાળો થતો મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. જો કે કિશોરીના માતા – પિતા આ અંગે ફરિયાદ કરવા માંગતા ન હતા. પરંતુ પોલીસે તેમને સમજાવતા આખરે તેમણે ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદના આધારે વાસણા પીઆઈ એમ.સી.ચૌધરી એ જુદી જુદી ટીમો બનાવી હતી. જેમાં સીસીટીવી તેમજ કિશોરીએ દર્શાવેલા વર્ણનના આધારે પોલીસે કિશોરીની છેડતી કરનાર રીક્ષા ચાલક સિકંદર ઉર્ફે કાળિયો સુલતાનભાઈ પેરુમીયા કુરેશી(28)(બરફની ફેકટરી પાછળ, જુહાપુરા) ને ઝડપી લીધો હતો. આરોપી સિકંદર અગાઉ પાલડી અને શાહપુરમાં વાહન ચોરીના ગુનામાં પકડાઈ ચૂકયો હતો.