વકતૃત્વ સ્પર્ધા તથા નિબંધ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ વિજેતા થયેલા વિદ્યાર્થીઓને શિલ્ડ તથા પ્રમાણપત્ર એનાયત કરાયા.
પાટણના બી.ડી. સાર્વજનિક વિદ્યાલય ખાતે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી એ.પી.ઝાલાની ઉપસ્થિતીમાં કારકિર્દી આયોજન સપ્તાહનો સમાપન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા રોજગાર અધિકારીશ્રી સી.બી.ચૌધરીએ જણાવ્યું હતું કે, ઉજ્જવળ કારકિર્દીના ઘડતર માટે શિક્ષણ ઘણું જ મહત્વનું અને પ્રાથમિક બાબત છે પણ તેની સાથે સાથે વિદ્યાર્થીઓએ પોતાના કૌશલ્યને ઓળખવા પડશે. રસના વિષયોના ઉંડાણપૂર્વક અભ્યાસ દ્વારા કૌશલ્યવર્ધન અને તે મુજબના શોખ કેળવી વિદ્યાર્થીકાળથી જ પોતાની કારકિર્દીનું આયોજન કરશે તે ચોક્કસ સફળ થશે.
ભારતના પૂર્વ રાષ્ટ્રપતિશ્રી એ.પી.જે.અબ્દુલ કલામના વિદ્યાર્થીકાળનો પ્રસંગ વર્ણવતાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રી એ.પી.ઝાલાએ જણાવ્યું હતું કે, શિક્ષકે વર્ગના સમય દરમ્યાન ચોક્કસ સમયે બારી પાસે જઈ આકાશ તરફ જોવાનું કારણ પુછતાં શ્રી કલામે જવાબ આપ્યો હતો કે મારે પણ આવું વિમાન બનાવવું છે અને તેમાં બેસવું છે. આ રીતે વિદ્યાર્થીકાળથી જ નક્કી કરેલું પોતાનું લક્ષ્ય અને કારકિર્દી માટે કરેલું યોગ્ય આયોજન ઉજ્જવળ ભવિષ્યનો માર્ગ છે.
આ પ્રસંગે કારકિર્દી આયોજન સપ્તાહ દરમ્યાન જિલ્લાની માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં યોજાયેલી વકતૃત્વ સ્પર્ધા તથા નિબંધ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ વિજેતા થયેલા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર તથા શિલ્ડ એનાયત કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી, જિલ્લા રોજગાર કચેરી અને જિલ્લા માહિતી કચેરીના સંયુક્ત ઉપક્રમે પાટણ જિલ્લાની માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ખાતે ગત ૧૬ સપ્ટેમ્બરથી ૨૧ સપ્ટેમ્બર દરમ્યાન કારકિર્દી આયોજન સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ક્વીઝ સ્પર્ધા, કારકિર્દી વાર્તાલાપ, વકતૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વાલી સંમેલન, ફિલ્મ શો, પ્રદર્શન, ચર્ચાસભા, ચિત્રસ્પર્ધા, પ્રશ્નોતરી કાર્યક્રમ જેવી અનેકવિધ પ્રવૃતિઓ મારફતે વિદ્યાર્થીઓને ભાવિ કારકિર્દી માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા માહિતી કચેરી, પાટણના માહિતી મદદનીશશ્રી કે.આર.ગજ્જર, બી.ડી.સાર્વજનિક વિદ્યાલયના આચાર્યશ્રી ડૉ.બી.આર.દેસાઈ, બી.ડી.વિદ્યાલય તથા અન્ય શાળાઓના શિક્ષકશ્રીઓ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.