બનાસકાંઠાના દાંતા તાલુકાના ખેરમાળ ગામે માત્ર 15 વર્ષની કિશોરીને નાણાંના બદલામાં લગ્ન કરાવ્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. 15 વર્ષની કિશોરીના લગ્નના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. સમગ્ર ઘટનાને પગલે પંથકમાં ચકચાર મચી છે. વાયરલ થયેલા વીડિયોમાં છોકરી પાછી આવી જશે તો પૈસા પાછા આપીશું સહિતની શરતો પણ છે. આ મામલામાં પરિવારે કબૂલાત કરી છે કે બે મહિના પહેલા આ છોકરીને 50 હજાર રૂપિયામાં વેચીને લગ્ન કરાવ્યાં હતાં.
આ સમગ્ર મામલે મળતી માહીતી પ્રમાણે દાંતા તાલુકાના ખેરમાળમાં લગ્ન માટે કિશોરીની સોદાબાજી થઈ હતી. જેમાં પૈસા લઈ બાળલગ્ન કરી આપી ચોંકાવનારી સોદાબાજી સામે આવી હતી. રેશનકાર્ડમાં દર્શાવેલી વિગત મુજબ ગમાર હસાભાઇ ગલબાભાઇના પરિવારમાં 15 વર્ષીય સગીરા પણ છે. જેને દલાલ જગમાલ ગમાર દ્વારા 50 હજાર રૂપિયામાં વેચીને અમદાવાદમાં લગ્ન કરાવ્યાં હતાં. બે મહિના પહેલા શીતળા સાતમનાં મેળામાં આ સોદો થયો હતો. આ કબૂલાત સગીરાનાં પરિવારે કરી છે.
બાળલગ્ન પ્રતિબંધક વિભાગ, બાળ સુરક્ષા વિભાગ, હડાદ પોલીસ, તલાટી અને સરપંચને સાથે રાખીને આ મામલામાં તપાસ કરવામાં આવી હતી. અધિકારીઓ સગીરાનાં માતાપિતા પાસેથી જરૂરી દસ્તાવેજ કબજે કર્યા છે. સગીરાની સુરક્ષા માટે અમદાવાદ બાળ સુરક્ષા વિભાગ અને પોલીસને જાણ કરવામાં આવશે. બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સગીરાનાં માતાપિતા અને દલાલ સામે પોલીસ ફરીયાદ પણ નોંધવામાં આવશે.
જન્મતારીખનાં દાખલા પ્રમાણે આજે 15 વર્ષની ઉંમરે પહોંચી છે. લગ્નની સોદાબાજી થઈ હોવાની તસવીરો અને વીડિયો સહિતની વિગતો સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. લગ્નની સોદાબાજી નક્કી કરી ખાતરી કરાવવા માટે લગ્ન ફોક જાય તો પૈસા પાછા આપીશું તેવી બાંહેધરી પણ આપવામાં આવે છે. વીડિયોમાં વચેટિયો જણાવે છે કે ‘આ સંબંધ વર્ષોનો છે, છોકરી હું લઇ જઉં છું. કેમ કરતા છોકરી રહેવા ના માંગે અને પાછી આવે તો, મારા હાથમાં ગણેલા પૈસાની રમક હું પાછી આપી દઇશ. પછી આ બંને સાથે મારે શું કરવું એ મારે જોવાનું’ આ ઉપરાંત અન્ય વચેટિયાઓએ પણ પૈસા માટે બાહેંધરી આપીને સાક્ષી બન્યા હતા.