Banaskantha : બનાસકાંઠામાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે રાજકારણ ગરમાયું છે. જેનો મુખ્ય ચર્ચિત સવાલ છે કોંગ્રેસના આગેવાન ઠાકરશી રબારી પર પાંચ ફોજદારી કેસ બાદ હવે તેમની પર પોલીસે પાસાની દરખાસ્ત તૈયાર કરી છે. જેના લીધે આ કોંગ્રેસી કાર્યકર પર ગમે તે સમયે જિલ્લા કલેકટર પાસાનું વોરંટ ઇસ્યુ કરે તેવી સંભાવના વધી છે અને આ જ મુદ્દે ગેનીબેન ઠાકોર આક્રોશિત છે. તેઓ આ પ્રકારની કાર્યવાહીને રાજકીય દ્વેષની કાર્યવાહી માની રહ્યા છે. તેઓ ટ્વીટ કરીને જેલ ભરો આંદોલનની ચીમકી ઉચ્ચારી ચૂક્યા છે.
વાવના કૉંગ્રેસી ધારાસભ્ય ગેનીબહેન ઠાકોર દ્વારા 2 જુલાઈના રોજ એક ટ્વીટ કરવામાં આવ્યું હતું. જેમાં વાવ અને થરાદના લોકોને સંબોધીને લખવામાં આવ્યું હતું કે, બનાસકાંઠા એસપી રાજકીય ઈશારા હેઠળ કૉંગ્રેસના કાર્યકરો અને આમ પ્રજાને દબાવવા સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે. ત્યારે તેની સામે ગાંધી ચિંધ્યા માર્ગે લડાઈ લડવા માટેનો સમય પાકી ગયો છે.
બનાસકાંઠા પોલીસ રાજકીય ઈશારે કામ કરતી હોવાના આક્ષેપ સાથે સોમવારે વાવના ધારાસભ્ય ગેનીબહેન ઠાકોર, પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ અને કાંકરેજના ધારાસભ્ય અમૃત ઠાકોર ઉપરાંત પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈ અને ગુલાબસિંહ રાજપૂત સહિત કૉંગ્રેસના નેતાઓ કલેક્ટર કચેરી પર આવેદનપત્ર પાઠવવા પહોંચ્યા હતા.
કૉંગ્રેસના આક્ષેપો બાદ બનાસકાંઠા એસપી અક્ષયરાજ મકવાણાએ કહ્યું હતું કે, જે ઠાકરશીભાઈ રબારીની વાત છે તેની સામે વર્ષ 2005 થી 2023 દરમિયાન કુલ 5 FIR નોંધાયેલી છે. જે છેલ્લી FIR નોંધાયેલી હતી તેમાં પોલીસે જે રીતે અન્ય આરોપી સામે કાર્યવાહી કરે છે તે રીતે કાર્યવાહી કરી છે. તેમની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરાયા હતા. કોર્ટ દ્વારા રિમાન્ડ મંજૂર કરાયા હતા. આ સિવાય જે આરોપી સામે ક્વોલિટી પ્રોહિબિશનનો ગુનો હોય તેની સામે પાસા ભરવામાં આવે છે. આ કેસ પણ ક્વોલિટી પ્રોહિબિશનનો હોય પોલીસે કલેક્ટરને પાસે મોકલી આપી છે. પોલીસે કોઈ પાર્ટીના કાર્યકર હોવાથી હેરાન કરતી નથી માત્ર તટસ્થતા અને નિષ્પક્ષતાથી કામ કરી રહી છે.
બનાસકાંઠાના વાવના કૉંગ્રેસી ધારાસભ્ય ગેનીબહેન ઠાકોરના જિલ્લા પોલીસવડાને લઈ કરાયેલા એક ટ્વીટને લઈ મામલો ગરમાયો છે. બનાસકાંઠા એસપી કૉંગ્રેસના કાર્યકર્તાઓને રાજકીય ઈશારે દબાવતા હોવાનું ટ્વીટ કર્યા બાદ આજે અન્ય બે કૉંગ્રેસના ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્યો સાથે બનાસકાંઠા કલેક્ટર કચેરી પર આવેદનપત્ર પાઠવ્યો હતો. આ મામલે આગામી દિવસોમાં યોગ્ય કાર્યવાહી ન થાય તો જેલભરો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. તો બીજી તરફ એસપીએ કહ્યું હતું કે, પોલીસ કોઈ ધર્મ, જાતિ કે પાર્ટી જોઈને કામગીરી નથી કરતી.