લોકસભા ચૂંટણીમાં કારમી હાર મેળવ્યાં બાદ રાહુલ ગાંધીના કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાની રજૂઆત વચ્ચે કોંગ્રેસમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે.

પ્રિયંકા ગાંધી વાડ્રા, પાર્ટી પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલા અને સચિન પાયલટ સહિતના નેતાઓ તેમને મળવા પહોંચ્યા હતા. મળતી માહિત મુજબ આજે રાહુલની રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત સાથે મુલાકાત થઈ શકે છે. સોમવારે રાહુલે ગેહલોતને મળવા માટેનો સમય આપ્યો હતો જો કે બાદમાં મુલાકાત કરી ન હતી.

મળતી માહિતી મુજબ રાહુલ ગાંધી પોતાના પદ પરથી રાજીનામું આપવા મક્કમ છે. પાર્ટી તેમને મનાવવા માટે રાષ્ટ્રીય સંમેલન બોલાવી શકે છે. રાહુલે શનિવારે કોંગ્રેસ કાર્યસમિતિની બેઠકમાં કહ્યું હતું કે ગેહલોત, કમલનાથ અને ચિદમ્બરમ જેવાં નેતાઓએ પુત્ર-સંબંધીઓને ટિકિટ અપાવવાની જીદ કરી અને તેમને જ ચૂંટણી જીતાડવામાં લાગ્યા હતા.

ગેહલોતે રાજસ્થાનમાં કુલ 130 રેલી અને રોડ શો કર્યા હતા. જેમાંથી 93 સભા જોધપુરમાં કરી. જોધપુરથી કોંગ્રેસે ગેહલોતના દીકરા વૈભવને ટિકિટ આપી હતી. પાર્ટી રાજ્યની તમામ 25 સીટ પર ચૂંટણી હારી ગઈ છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે પોતાની પારંપરિક લોકસભા સીટ છિંદવાડાથી પુત્ર નકુલ નાથને મેદાનમાં ઉતાર્યો હતો, કોંગ્રેસ આ બેઠક પરથી ચૂંટણી જીતી ગઈ છે.

કોંગ્રેસની શરમજનક હાર બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી રાજીનામું આપવા અડગ છે. સૂત્રોના જણાવ્યા મુજબ સોમવારે અહેમદ પટેલ અને મહાસચિવ કેસી વેણુગોપાલ રાહુલને મળ્યા હતા. રાહુલે તેમને નવા નેતાની પસંદગી કરવાનું કહ્યું છે. સંકેત મળ્યાં છે કે રાહુલ મક્કમ બની રહેશે તો કોંગ્રેસ એક દિવસીય રાષ્ટ્રીય સંમેલન બોલાવીને તેમને પુનર્વિચારની અરજી કરી શકે છે. આ વચ્ચે રાહુલની મદદ માટે ત્રણ વરિષ્ઠ અને જમીન સાથે જોડાયેલાં નેતાઓને કાર્યકારી અધ્યક્ષ બનાવવાની પણ અટકળો છે. જેમાં એક એકે એન્ટોની, અહેમદ પટેલ અને કેપ્ટન અમરિંદર સિંહના નામ સામેલ છે. 

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.