સોનભદ્ર હત્યાકાંડ મામલે પ્રિયંકા ગાંધીના સમર્થનમાં ગુજરાત કોંગ્રેસે કોચરબ આશ્રમ પાસે ધરણા યોજ્યા હતા. આ પ્રદર્શન દરમિયાન રસ્તા રોકવાનો પ્રયાસ કરતા કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ, શહેર પ્રમુખ, શશિકાંત પટેલ, ધારાસભ્ય હિંમતસિંહ પટેલ, ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિતના નેતાઓની વેજલપુર પોલીસે અટકાયત કરી હતી.આ સમયે પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થતા એક કાર્યકારને ઇજા થઈ હતી.ત્યાર બાદ આ તમામ નેતાઓ પોલીસ સ્ટેશનમાં જ ધરણા પર બેઠા હતા.
કોંગ્રેસ દ્વારા પોલીસે લાઠીચાર્જ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમજ એક કાર્યકરની તબિયત લથડતા તેને વીએસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
આ અંગે અમિત ચાવડાએ કહ્યું કે, નરસંહારના મૃતક પરિવારોની મુલાકાતે જઈ રહેલા અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધીની ભાજપ સરકારના ઈશારે સ્થાનિક પોલીસ દ્વારા ખોટી રીતે અટકાયત કરવામાં આવી છે.
કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે કહ્યું કે, ભાજપનું જ્યાં જ્યાં શાસન છે ત્યાં ત્યાં લો અને ઓર્ડરની સ્થિતિ બગડી રહી છે. ભાજપ દમનકારી નીતિ અપનાવી રહી છે. જો સરકારનાં કામમાં ફરક નહીં આવે તો અમે વારંવાર રસ્તા રોકો આંદોલન કરીશું. અમે તેમની સામે ઉભા રહીશું.
ઉલ્લેખનીય છે કે, સોનભદ્રમાં એક જમીન વિવાદમાં ગામના સરપંચ અને તેમના ટેકેદારોએ સામેના જૂથ પર ગોળીબાર કરતાં 10 લોકોનાં મોત થયા હતાં. જેને પગલે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાને શુક્રવારે સોનભદ્ર જતાં અટકાવાયા હતા. પરંતુ તેઓ ટેકેદારો સાથે રોડ પર જ બેસી જતાં તેમને એક ગેસ્ટ હાઉસમાં લઈ જવાયા હતા.
યુપીના સોનભદ્ર કાંડની મુલાકાત દરમિયાન પ્રિયંકા ગાંધીની ગઇકાલે અટકાયત કરવામાં આવી હતી. જેના વિરોધમાં ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ તથા પ્રદેશ પ્રમુખ અમીત ચાવડાનાં નેતૃત્વમાં આજે સવારે કોચરબ આશ્રમ પર ધરણા પર બેસીને વિરોધ નોંધાવ્યો હતો. જેમાં કોંગ્રેસનાં અમીત ચાવડા, મનીશ દોષી સહિત અનેક કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી છે. મહત્વનું છે કે ગઇકાલે પ્રિયંકા ગાંધીની અટકાયત થતાં રાજ્યભરમાં કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.