કરોડો રૂપિયાનો પુલ હવામાં, ક્યારે થશે જમીન સાથે જોડાણ, તેની કાગડોળે રાહ જોતી જનતા
જેતપુરના ધોરાજી રોડ રેલવે ફાટક ઉપર ઓવર બ્રિજ બનાવવાનું કામ હાલતો ગોકળગતીએ.
રેલવે ઓથોરિટી દ્વારા સ્ટ્રક્ચર ઉભુ કરી આપ્યું પરંતુ નગરપાલિકા અને આર એન બી વિભાગ એક બીજાને ખો આપી રહ્યું હોવાથી લોકોને પડતી પારાવાર હાલાકી
ખાત મહુર્ત થયાને એક વર્ષ થયું હોવા છતાં હજુ સુધી નથી થઈ ટેન્ડરની પ્રક્રિયા પુરી
જેતપુરમાં ધોરાજી રોડ ઉપર રેલવે નું ફાટક આવેલ હોઈ આ ફાટક બંધ થાય ત્યારે અવાર નવાર ટ્રાફિક જામ થતો હોઈ લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોઈ અનેક સંસ્થા દ્વારા અવાર-નવાર બ્રિજ માટે રજુઆત કરવામાં આવેલ હતી. જેથી બ્રિજ બનાવવાની મંજૂરી મેળવેલ અને આ રેલવે ફાટક ઉપર ઓવર બ્રિજનું કામ જેતપુર નવાગઢ નગરપાલિકામાં સરકારની યોજના અન્વયે ઓવર બ્રિજ બનાવવાના કામનું ખાત મહુર્ત નગર પાલિકા હસ્તક થયાને એક વર્ષનો સમય વીત્યા હોવા છતાં બ્રીજનું કામ આજે પણ ટલ્લે ચડ્યું હોય તેવું લાગી રહ્યું છે.
આ ઓવર બ્રિજ અંદાજિત 20 કરોડ રૂપિયાના ખર્ચે અને 630 મીટર લાંબો ઓવર બ્રિજ માટે સ્થાનિક ધારાસભ્ય જયેશભાઇ રાદડિયા તેમજ નગરપાલિકાનાં સતાધીશોએ એક વર્ષ પહેલાં ખાત મહૂર્ત કરવામાં આવ્યું હતું. પરતું એક વર્ષનો સમય ગાળો થયો હોવા છતાં હજુ પણ નગરપાલિકા દ્વારા શ્રી ગણેશ કરવામાં આવ્યા નથી જ્યારે રેલવે લાઈન પર આવતા સ્ટ્રક્ચર ને રેલવે વિભાગ એ પૂરી કરી નાખી છે. પરતું નગરપાલિકા હસ્તકની કામગીરીની પ્રક્રિયા હજુ પણ હાથ ધરવામાં આવી નથી.
જેતપુર થી પોરબંદર જતા વાહન ચાલકોનો સમય અને ઈંધણ ન બચાવ થાય એ માટે તેમજ રેલવે ફાટક ની સમસ્યાનો પણ ઉકેલ થાય એ માટે સરકારની યોજના અન્વયે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી નગરપાલિકા હસ્તક આપવામાં આવી હતી. પરતું હવે આ કામગીરી જેતપુર નવાગઢ નગરપાલિકા કરશે કે આર,એન,બી વિભાગ એટલે કે માર્ગ અને મકાન પેટા વિભાગ (રાજ્ય) કરશે આ બન્ને વિભાગ વચ્ચેના તાલમેલના અભાવે હાલ તો જેતપુરના લોકો હાલાકીનો ભોગ બની રહ્યા છે.
આ બ્રીજની કામગીરી કરવા માટે એક વર્ષ પહેલાં રેલવેના ફાટક પાસે વૈકલ્પિક ડ્રાઇવર્ઝન કાઢવામાં આવ્યો હતો. પરતું મોટા વાહનોના અવર-જવર માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જેથી ધોરાજીથી આવતા મોટા વાહનોને પ્રવેશ માટે બે કિલમીટર જેટલું ફરવા જવું પડી રહ્યું છે. હવે તો નગરપાલિકા કે અન્ય વિભાગ દ્વારા સત્વરે આ નિર્માણાધીન બ્રિજનું કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી લોક માંગણી જેતપુરમાંથી ઉઠી છે. સાથે લોકોમાં એવી પણ ચર્ચા ઉઠી છે કે શું આ કામ કોઈ રાજકીય ઈશારે તો રોકવામાં નથી આવ્યું ને?