- ચક્રવાતમાં કુલ ત્રણનાં મોત નિપજ્યા હોવાની વિગતો મળી છે. ભયાવહ વાવાઝોડામાં ઝાડ પડવાથી પુરી જિલ્લામાં એક તરૂણનું મોત નિપજ્યું હતું.
- દરમિયાન નયાગઢ જિલ્લામાં પાણી ભરવા ગયેલી એક મહિલા પર કાટમાળ ધસી પડતાં તેનું સ્થળ પર મોત થયું હતું. વધુ એક કિસ્સામાં દેવેન્દ્રનાયાણપુરમાં 65 વર્ષીય વૃદ્ધાનું શેલ્ટર હોમમાં હાર્ટ એટેકને લીધે મોત નિપજ્યું હોવાના અહેવાલ છે.
- ઓડિશાના ઘમરોળ્યા બાદ હવે ચક્રવાત ફેની પશ્ચિમ બંગાળ તરફ ફંટાયું છે.
- ફેની વાવાઝોડાંને કારણે ચૂંટણી પંચે આંધ્રપ્રદેશના ચાર જિલ્લા- પૂર્વ ગોદાવરી, વિશાખાપટ્ટનમ, વિજિયાનાગ્રામ અને શ્રીકાકુલમમાંથી આચારસંહિતા દૂર કરી છે.
- આ નિર્ણય રાહત કાર્યોમાં આવનારી સંભવિત અડચણોને કારણે લેવામાં આવ્યો છે. આ પહેલાં ફેની શુક્રવારે સવારે લગભગ સાડા આઠ વાગ્યે ઓરિસ્સાના પુરી કાંઠે ટકરાયું હતું.
- અહીં હજારો વૃક્ષો અને થાંભલા પડી ગયા છે. તે ઉપરાંત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સાથે અનેક મકાનોને નુકસાન થયું છે. આમ, ઓરિસ્સામાં ભયંકર નુકસાન કરીને ફેની બંગાળ તરફ આગળ વધ્યું છે.
- ચક્રવાત ‘ફેની’ શુક્રવારે ઓડિશાના દરિયાકાંઠે ટકરાયું હતું અને સવારે આઠ કલાક આસપાસ પુરીમાં ત્રાટક્યું હતું. ચક્રવાતને પગલે ભારે વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો હતો તેમજ 175 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો.
- ભારે વરસાદને પગલે પુરીની આસપાસના ગામોમાં પાણી ભરાઈ ગયા હતા તેમજ જોરદાર પવન ફૂંકાતા સંખ્યાબંધ ઝાડ ઉખડી ગયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
- નીચાળવાળા વિસ્તારોમાંથી 11 લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
- ચક્રવાતને પગલે ઓડિશાના ગંજમ, પુરી, ખુરદા અને ગજપતિ સ્થિત દરિયાકાંઠાના વિસ્તારો વધુ પ્રભાવતિત થવાની આશંકા છે.
- સ્પેશ્યલ રીલિફ કમિશ્નર સહિત તમામ તંત્રને ખડે પગે રાખવામાં આવ્યું છે. રાહત અને બચાવ માટે વધુ ટુકડીઓ તૈનાત કરી દેવામાં આવી છે.
- ભુવનેશ્વરના હવામાન વિભાગના ડિરેક્ટર એચ આર બિસ્વાસના જણાવ્યા મુજબ સવારે આઠ વાગ્યે ચક્રવાત ‘ફેની’ પુરી પહોંચ્યું છે અને સમગ્ર દરિયા પટ્ટાના વિસ્તારમાં ત્રણ કલાકમાં પહોંચી વિનાશ વેરશે.
- સાયક્લોનિક સિસ્ટમ 30 કિ.મી પ્રતિ કલાકની ઝડપે આગળ ધપી રહી છે અને તે ત્રણ કલાકના સમયગાળામાં આશરે 11 કલાકે જમીન પર ઉતરશે.
- જમીન પર ઉતરતા 200 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
- ચક્રવાત જમીન પર ઉતર્યા બાદ ખુરદા, કટક, જાજપુર, ભદ્રાક અને બાલાસોર નજીકથી પસાર થશે અને પશ્ચિમ બંગાળ તરફ ફંટાશે.
- રાજ્યના પાટનગર ભુવનેશ્વરમાં 140 કિ.મીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
- 4,000 જેટલા હંગામી આવાસોમાં નીચળાવાળા વિસ્તારમાંથી લોકોને ખસેડવામાં આવ્યા છે.
- ચક્રવાતની તીવ્રતાને ધ્યાનમાં રાખતા 880 વિશેષ પ્રકારના આવાસો ઊભા કરાયા હોવાનું સત્તાધીશોએ જણાવ્યું હતું. અત્યાર સુધીમાં કોઈ ખુંવારીના અહેવાલ પ્રાપ્ત થયા નથી.