Dahod Kalamahakumbh 2022

દાહોદ જિલ્લા કક્ષાના કલામહાકુંભનો પ્રારંભ દાહોદની લીટલ ફલાવર સ્કુલ ખાતેથી નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રીનાબેન પંચાલે કરાવ્યો છે. આ નિમિત્તે શાળા ખાતે બાળ પ્રતિભા શોધ સ્પર્ધા તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો હતો. આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં પ્રતિભાશાળી બાળ કલાકારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રીનાબેને આ પ્રસંગે જણાવ્યું કે, રાજ્યમાં યોજાતા કલામહાકુંભ બાળકોમાં રહેલી પ્રતિભાને બહાર લાવવાનું માધ્યમ બન્યાં છે. કલામહાકુંભ થકી ઘણા પ્રતિભાશાળી કલાકારો સામે આવી રહ્યાં છે અને ભવિષ્યમાં પણ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ રાજ્યનું નામ તેઓ રોશન કરશે.

આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી સુશ્રી કાજલબેન દવે તેમજ શાળાના આચાર્ય કૃતાર્થ જોષીએ પ્રાંસગિક પ્રવચન કર્યું હતું. આ કાર્યક્રમ ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર પ્રેરિત અને કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ દ્વારા આયોજીત અને જિલ્લા યુવા વિકાસ અધિકારી, દાહોદ સંચાલિત અને દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત લીટલ ફલાવર સ્કુલ, દાહોદના સયુક્ત ઉપક્રમે યોજાયો હતો.

આ વેળાએ જિલ્લા યુવા વિકાસ અધિકારી વિરલ ચૌધરી, પ્રાંત યુવા વિકાસ અધિકારી જિગ્નેશભાઇ ડાભી સહિતના અધિકારીઓ, દાહોદ અનાજ મહાજન સંસ્થાના કેમ્પસ ડાયરેક્ટર પંકજભાઇ શેઠ ઉપસ્થિત રહ્યાં હતા.