રાજ્ય સરકારે કોરોના નિયંત્રણ કરવા માટે લીધેલા નિર્ણયોને અનુસંધાને કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ કોરોના સંબધે કેટલાક આદેશો જાહેર કર્યા છે. આ આદેશો આગામી તા. ૨૯ જાન્યુઆરી સુધી અમલમાં રહેશે.
જાહેરનામા મુજબ, જિલ્લામાં તમામ પ્રકારના રાજકીય, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભો તેમજ ધાર્મિક સ્થળોએ ખુલ્લામાં મહત્તમ ૧૫૦ વ્યક્તિઓ પરંતુ, બંઘ સ્થળોએ જગ્યાની ક્ષમતાના ૫૦ ટકા અથવા મહત્તમ ૧૫૦ વ્યક્તિઓની મર્યાદામાં એકત્રિત થઇ શકશે. લગ્નપ્રસંગમાં પણ આ જ નિયમ લાગુ પડશે અને આ માટે ડિજિટલ ગુજરાત પર નોંધણી કરાવવાની રહેશે. જયારે અંતિમ ક્રિયા માટે ૧૦૦ વ્યક્તિઓની મંજુરી રહેશે.
પબ્લિક તથા પ્રાઇવેટ બસ ટ્રાન્સપોર્ટમાં નોન એસી બસ સેવાઓ ૭૫ ટકા ક્ષમતા સાથે જયારે એસી બસ સેવાઓ મહત્તમ ૭૫ ટકા પેન્સેજર કેપેસીટીમાં ચાલુ રહેશે. બસ સેવાને રાત્રી કફ્યુમાંથી મુક્તિ આપવામાં આવી છે.
સિનેમા હોલ બેઠક ક્ષમતાના ૫૦ ટકા અને જિમ સમાવેશ ક્ષમતાના ૫૦ ટકા સાથે ચાલુ રાખી શકાશે. વોટર પાર્ક અને સ્વિમિંગ પુલ ૫૦ ટકા ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. વાંચનાલયો, ઓડિટોરિયમ, એસેમ્બલી હોલ, મનોરંજક સ્થળો બેઠક ક્ષમતાના ૫૦ ટકાથી ચાલુ રાખી શકાશે. જાહેર બાગબગીચાઓ રાત્રીના ૧૦ વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.
ધોરણ ૯ થી પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્ષ સુધીના કોચીંગ સેન્ટરો, ટયુશન કલાસીસ તેમજ તમામ પ્રકારની સ્પર્ધાત્મક ભરતી અંગેની પરીક્ષાઓ માટેના કોચિગ સેન્ટરો સ્થળની ક્ષમતાના મહત્તમ ૫૦ ટકા વિદ્યાર્થીઓ સાથે ચાલુ રાખી શકાશે. શૈક્ષણિક સંસ્થાઓ શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી સૂચનાઓને આધિન ચાલુ રાખી શકાશે. શાળા, કોલેજ અન્ય સંસ્થાઓની પ્રવેશ-ભરતી-સ્પર્ધાત્મક પરીક્ષાઓ કોરોના ગાઇડ લાઇન પાલનની શરતે યોજી શકાશે. સ્પોર્ટસ કોમ્પલેક્ષ-સ્ટેડિયમ-સંકુલમાં રમતગમત પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર ચાલુ રાખી શકાશે. જાહેરનામાનો ભંગ કરનાર વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાશે.