આજે આપણે ભારતના એક એવા શહેરની વાત કરીએ કે જે શહેરમાં ગંદકી નાબૂદ થઈ ચૂકી છે.

ગંદકીનું સામ્રાજય ચોમેર ફેલાતું જાય છે. વધતી જતી વસ્તીની સાથે જ ગંદકી પણ વધી રહી છે. તાજેતરમાં જ ગંદકીનો ઉપદ્રવ ઓછો કરવા પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. આ ઉપરાંત સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત પણ અનેક પ્રયત્નો થઈ રહ્યા છે. છતાં ગંદકીને નેસ્તનાબૂદ કરવી એ કંઈ સહેલી વાત નથી!! 

આવાસન અને શહેરી કાર્ય મંત્રાલયના સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૧૮ અનુસાર ભારતના સૌથી સ્વચ્છ શહેરોની યાદીમાં અવ્વલ નંબરે મધ્યપ્રદેશનું ઈંદોર શહેર છે. આ વર્ષે કુલ ૪૨૦૦ શહેરોના આંકડા જમા કરાયા અને લોક મતને આધારે ઈંદોરને ભારતનું સૌથી સ્વચ્છ શહેર ઘોષિત કરવામાં આવ્યું.

૨૦ લાખની વસ્તી ધરાવતા આ શહેરમાં ગંદકી ભાગ્યે જ જોવા મળે છે. શહેરની સ્વચ્છતાનું શ્રેય ત્યાંની નગરપાલિકાના સફળ વ્યવસ્થાપનને ફાળે જાય છે. આ શહેરમાં ગંદકી ફેલાવવા બદલ ૧૦૦ રૂપિયાથી માંડીને ૧ લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવે છે. ગત વર્ષે ઈંદોર નગરપાલિકાએ પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી હતી અને દંડ પેટે રૂપિયા ૧ કરોડ જુર્માના પેટે જમા કર્યા હતા.

ઈંદોરના મેયર માલિની ગૌરનું કહેવું છે કે, શહેરના લોકો ફક્ત દંડના ભયને લીધે જ ગંદકી નહીં ફેલાવે એવું નથી. પરંતુ લોકો નગરપાલિકાના કાર્યોનું સન્માન કરે છે અને સહકાર આપે છે. સ્વચ્છ સર્વેક્ષણ રેંકિંગમાં ઈંદોર ને સૌથી ઊંચું સ્થાન અપાવવામાં મેયર માલિની ગૌરની અહમ ભૂમિકા છે. વર્ષ ૨૦૧૫માં ઈંદોર ૧૮૦માં સ્થાને હતું, વર્ષ ૨૦૧૬માં ૨૫માં સ્થાને અને ત્યારબાદ વર્ષ ૨૦૧૭માં ૪૩૪ શહેરોને પાછળ છોડીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું અને ૨૦૧૮માં પણ એ સ્થાન જાળવી રાખ્યું છે. ઈંદોર શહેરની સ્વચ્છતાનો મંત્ર જાણવા માટે લગભગ ૨૫૦ નગરપાલિકાઓના અધિકારીઓ ઈંદોરની મુલાકાત લઈ ચૂક્યા છે.

ઈંદોર શહેરની સફાઈ વ્યવસ્થાની વાત કરીએ તો અહીંની કચરા નિકાલ પ્રણાલી ધ્યાન ખેંચે એવી છે. શહેરમાં કચરાનું વિભાજન માટે ઘરે ઘરે અલગ કચરાપેટીમાં મુકવામાં આવે છે. ત્યારબાદ શેરી કે મહોલ્લામાં રાખેલી જુદા જુદા રંગની કચરાપેટીઓમાં કચરાનો નિકાલ થાય છે. આ પ્રકારની વ્યવસ્થા જર્મનીમાં જોવા મળે છે.

 શહેરને સંપૂર્ણ સ્વચ્છ રાખવા માટે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ઈંદોર નગરપાલિકા પાસે ૪૦૦ કરોડનું બજેટ છે. આ ઉપરાંત નગરપાલિકા દ્વારા દર મહિને દરેક ઘરમાંથી ૬૦ રૂપિયા તથા દુકાનોમાંથી ૯૦ રૂપિયા સ્વચ્છતાના હેતુથી લેવામાં આવે છે.

જો ભારતના દરેક શહેરની સ્વચ્છતા વ્યવસ્થા ઈંદોર જેવી હોય તો ભારતમાં ગંદકીનો પડછાયો પણ જોવા ન મળે. ખરા અર્થમાં આ શહેરમાં સ્વચ્છ ભારત મિશન સફળ થયું છે.