પપ્પા બધા છોકરાઓ બારીમાંથી કૂદીને નીચે જવાની કોશિશ કરી રહ્યા છે, હું પણ બારીમાંથી કુદવા જાઉં છું, જીવ બચાવવાની કોશિશ કરીશ પપ્પા…મૃતક 16 વર્ષીય ક્રિષ્ના અને તેના પપ્પા વચ્ચે થયેલી જિંદગીની આ છેલ્લી વાતચીત હતી.
લાડકવાયી દિકરીના આ ફોન બાદ તક્ષશીલા બિલ્ડીંગની પાછળ જ આવેલી રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતી ક્રિષ્નાના પિતા અને પરિવારજનો સ્થળ પર પહોંચ્યા, ત્યારે ખબર પડી કે આગમાંથી બચાવાયેલા, ચોથા માળેથી કુદેલા અને આગમાં ભડથું થયેલા બાળકોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે. પરંતુ હાંફળા ફાફળા થયેલા ક્રિષ્નાના પિતાને કંઈ સમજાયું નહીં કે કઈ હોસ્પિટલે જવું અને કોને શું પૂછવું. જેથી પિતાએ ફરીવાર દિકરીને ફોન લગાડ્યો… જો કે આ વખતે તેમની લાડલી ફોન ઉપાડવા માટે આ દુનિયામાં જ રહી નહોતી. થોડી ક્ષણોમાં જ તેમના જીવનમાં એક ખાલીપો આવી ગયો હતો. દિકરીને લગાવેલો ફોન કોઈ બીજા ભાઈએ ઉપાડ્યો અને પિતા સુરેશભાઈએ ભીની આંખે, થરથર કાંપતા અવાજે પૂછ્યું, હું મારી દિકરી ક્રિષ્ના ભિકડીયાને શોધું છું, ગળગળા થઈ કહ્યું મેં એને જ ફોન લગાડ્યો છે…
ત્યારબાદ ફોન ઉપાડનાર ભાઈએ જે કહ્યું એ સાંભળીને સુરેશભાઈ ફસડાઈ પડ્યા…એ ભાઈએ કહ્યું કે તમે પહેલા સ્મિમેરમાં આવી જાવ, અત્યારે હું ત્યાં છું અને અહિં તક્ષશીલામાંથી આગમાં બળી ગયેલી તમામ બોડી આવી છે એ બોડી પાસેથી જ મને આ ફોન મળ્યો છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN News લાઈક કરો.