Patan news

ઠગાઈ નો ભોગ બનનારે ચાણસ્મા પોલીસ મથકે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી..

યાત્રાધામ બહુચરાજીમાં નવું મકાન અપાવવાની લાલચ આપી ચાર શખ્સોએ રૂ. 1.71 કરોડની છેતરપિંડી કરતાં ભોગ બનનારે ચાણસ્માં પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

વર્ષ 2018 માં ચાણસ્મા ખાતે રહેતા વિરમજી બબાજી ઠાકોર તેમના મિત્ર દરબાર અરજણજી સાથે વરાણ ખાતે દર્શને જઇ રહ્યા હતા. તે વખતે તેમના ગામના પ્રજાપતિ મણાભાઈ શીવાભાઇના વેવાઇ થતા પ્રજાપતિ જયંતી સહિત ચાર શખ્સો સાથે પરિચયમાં આવ્યાં હતાં. ત્યારે બેચરાજી શંખલપુર ખાતે તિરૂપતિ બાલાજી ડેવલપર્સ દ્વારા સોસાયટી બનાવતાં હોવાની વાત થઇ હતી. ત્યારબાદ તમામ લોકો બહુચરાજી ખાતે સોસાયટી જોઇ આવ્યા હતા અને ત્યારબાદ વિશ્વાસમાં લઈ તારીખ 20/12/2018ના રોજ ધરમોડા બસ સ્ટેશન મળીને ચારેય શખ્સોએ બંને યુવાનોને નવું મકાન રાખવાની વાત કરી હતી. જેમાં એક મકાનની કિ. રૂ. 20 લાખ લેખે ઠાકોર વિરમજી એ ત્રણ મકાન ની રોકડ રૂ.60 લાખ ચૂકવ્યા હતા. જ્યારે દરબાર અરજણજીએ 6 મકાનના રૂ. 1 કરોડ 10 લાખ 6 હજાર મળી બન્ને વ્યક્તિએ કુલ રૂ. 1 કરોડ 71 લાખ ચૂકવ્યા હતા.

ચાર શખ્સોએ તારીખ 21/12/2018 ના રોજ બાનાખતનો કરાર લેખ રૂ.100 નાં સ્ટેમ્પ પર કરી વિશ્વાસમાં લઇને મકાનો સારા બનાવી આપીશુ તેમ કહ્યું હતું. ત્યારબાદ દસ્તાવેજની ઉઘરાણી કરતા તેઓ ગલ્લા તલ્લા કરવા લાગ્યા હતા તેથી તપાસ કરતા આ મકાન બીજાને વેચી દીધાં હોવાનું માલુમ પડતાં આ અંગે વિરમજી બબાજી ઠાકોરે ચાણસ્મા પોલીસ મથકે પ્રજાપતિ જયંતી કેશવલાલ, પ્રજાપતિ વિમળા જયંતીભાઇ, પ્રજાપતિ રશીક જયંતીભાઇ અને પ્રજાપતિ નીતેશ જયંતીભાઇ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.