12 ગામોએ કુંવારી છોકરીઓને મોબાઇલ રાખવા પર પ્રતિબંધ.
કુંવારી છોકરીઓને મોબાઇલ રાખવાના પ્રતિબંધને MLA ગેનીબેન ઠાકોરનું સમર્થન. દાંતીવાડાનાં ક્ષત્રિય ઠાકોર સમાજના 12 ગામોએ કુંવારી છોકરીઓના મોબાઇલ રાખવા પર પ્રતિબંઘ ફરમાવી દીધો છે.
છેલ્લા થોડા દિવસથી આપણે આંતરજ્ઞાતીય લગ્નમાં યુવાનો ભાગવાનાં કિસ્સાઓ આપણે જોયા છે. જે લોહિયાળ પણ બન્યાં છે અને પોલીસ અને સોશિયલ મીડિયાની શરણે જવાનો પણ વારો આવ્યો છે. ત્યારે દાંતીવાડાનાં 12 ગામોનાં ક્ષત્રિય ઠાકોર સમાજે અનેક નિયમો બનાવ્યાં છે. જેમાં 12 ગામોના ક્ષત્રિય ઠાકોર સમાજની કુંવારી છોકરીઓને મોબાઇલ રાખવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. ક્ષત્રિય ઠાકોર સમાજમાંથી આવતા અને વાવના ધારાસભ્ય ગેની ઠાકોરે આ નિર્ણયોમાંથી કેટલાક નિર્ણયને સમર્થન આપ્યું છે. ગેની ઠાકોરે કુંવારી છોકરીઓના મોબાઇલ ઉપયોગ પર પ્રતિબંધના નિર્ણયને યોગ્ય ઠેરવતા કહ્યું હતું કે દીકરીઓ મોબાઇલ રાખ્યા વગર અભ્યાસ કરે તેમાં ખોટું કઈ નથી.

ગુજરાતના વિધાનસભાના ચોમાસું સત્રમાં આવેલા ગેની ઠાકોરે પત્રકારોને જણાવ્યું, “ બનાસકાંઠામાં દાંતીવાડા તાલુકાના 12 ગામોએ સમાજ સુધારાના ભાગરૂપે જે પહેલ કરી તેમાં અમુક મુદ્દામાં મારો સુર પુરાવું છું. ટેકનોલોજીના જમાનામાં દીકરીના લગ્ન ન થાય ત્યાં સુધી કે 18 વર્ષ સુધી મોબાઇલથી દૂર રહીને અભ્યાસ કરે તેમાં કઈ ખોટું નથી. હું સરકાર પાસે અપેક્ષા રાખું છું. ગરીબ સમાજના દિકરા-દીકરીઓના અભ્યાસ માટે રૂપિયા 1900 કરોડનું બજેટ હોય ત્યારે આવા બંધારણો ન થાય તો શું થાય.”
આંતરજાતીય લગ્નને બંધારણીય રીતે પ્રતિબંધ ન કરી શકાય પરંતુ માતાપિતાની મજબૂરી, દીકરાને અનુકુળ દીકરી ન હોય અને દીકરાને અનુકુળ દીકરી ન હોય ત્યારે શિક્ષણ અને રોજગારીનો પ્રશ્ન નહીં ઉકેલાય ત્યાં સુધી આ પ્રકારની સમસ્યાઓ થતી રહેશે.
દાંતીવાડાના જેગોલમાં રવિવારે ક્ષત્રિય ઠાકોર સમાજની બેઠક મળી હતી. આ બેઠકમાં અનેક કાયદાઓ બનાવવામાં આવ્યાં હતાં.
- તમામ પ્રસંગોમાં ડીજે અને ફટાકડા બંધ કરવા
- સામાજિક વ્યવહારોમાં ઓઢામણી, વાસણ પ્રથા બંધ કરી રોકડ વ્યવહાર કરવા. મરણ વખતે કફન નજીકના સગા લાવે બીજા કોઈ લાવે નહીં
- વરઘોડા બંધ છે અને બહારથી જાન આવે તો તેના વરઘોડા કરવા નહીં
- જે ઘરમાં ભાઈ ભાઈમાં વિખવાદ હોય ત્યાં જ્યાં સુધી રાજીપો ન થાય ત્યાં સુધી પરિવારજનોએ પ્રસંગમાં જવું નહીં.
- ક્ષત્રિય સમાજે કુંવારી છોકરીઓને મોબાઇલ આપવો નહિ અને જો મોબાઇલ પકડાશે તો તેની જવાબદારી તેના માતા પિતાની રહેશે
- જે કોઈ છોકરી સમાજને નીચું જોવા જેવું કૃત્ય કરશે તો માતા-પિતાને બંધારણ મુજબ દોઢ લાખ જ્યારે છોકરાના માતા-પિતાને બે લાખ ચૂકવવાના રહેશે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.