Gujarat weather update : ગુજરાતમાં ગઈકાલે સાંજે અચાનક આવેલા વાતાવરણના પલટા બાદ ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. હવામાન વિભાગના આંકડા અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 91 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. રાજ્યના પાંચ તાલુકામાં બે ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો. તો સૌથી વધુ વરસાદ મહેસાણાના બેચરાજીમાં અઢી ઇંચ વરસાદ તૂટી પડ્યો હતો. તો હજી પણ ગુજરાતના માથે વરસાદની ઘાટ ટળી નથી. ગુજરાતમાં આજે પણ ભારે વરસાદની આગાહી છે.
ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા ઉપરાંત રાજકોટ, અમરેલી, ભાવનગર અને કચ્છમાં વરસાદ થશે. હવામાન વિભાગે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં તથા કચ્છમાં આગામી ત્રણ દિવસ પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
31 મે સુધી ભારે વરસાદની હવામાનની આગાહી છે. અચાનક સાંજે ધમધોકાર વરસાદ તૂટી પડશે. સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં માવઠાની આગાહી છે. રાજ્યમાં હજી બે દિવસ વરસાદી માહોલ રહેવાના સંકેત છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિકના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે, જેને કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામા આવી છે.
Ambalal Patel Prediction
અંબાલાલ પટેલે કમોસમી વરસાદ અંગે જણાવ્યું કે, મે મહિનાના અંતમાં ગુજરાત તથા દેશભરમાં કમોસમી વરસાદ આવશે. આવી સ્થિતિ મે મહિનામાં બને તે વિશેષ સ્થિતિ કહી શકાય. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શિયાળામાં આવે તે સ્વાભાવિક છે, પરંતુ ઉનાળામાં આ સ્થિતિ અલગ પ્રકારની બની રહી છે. જે ઋતુ પરિવર્તનની નિશાની રૂપ ગણાય છે.
30મી તારીખે ગુજરાતમાં ભારે પવન અને ગાજવીજ સાથે કેટલાક વિસ્તારમાં વરસાદની સંભાવના છે. જેમાં બનાસકાંઠા, અમરેલી, ભાવનગર અને કચ્છમાં વરસાદ થશે. તો 31 મેના રોજ ગુજરાતમાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. જેમાં બનાસકાંઠા અને કચ્છ જિલ્લામાં વરસાદની સંભાવના છે. આ સાથે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે.