ગુજરાતમાં ચોમાસું વિધિવત રીતે બેસી ગયું છે ત્યારે મેઘરાજાએ અમદાવાદમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. અમદાવાદના પૂર્વ અને પશ્વિમ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડવાનું શરૂ થયું છે. બુધવારે બપોર પછી ગાજવીજ સાથે વરસાદ પડવાથી લોકોએ ગરમીમાંથી રાહતનો શ્વાસ લીધો હતો. આ ઉપરાંત ગુજરાતના અનેક વિસ્તારમાં પણ વરસાદ પડવાનો શરૂ થયો હતો.

અમદાવાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ શરૂ થયો છે. શહેરના એસજી હાઈવે, સેટેલાઈટ, જોધપુર, જીવરાજપાર્ક, શિવરંજની, પાલડી, ઈસનપુર, નારોલ, લાલદરવાજા સહિતના વિસ્તારોમાં પડી રહ્યો છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેના કારણે ટ્રાફિકજામ અને વાહનચાલકો અટવાયા છે. આજે બપોરે શરૂ થયેલા વરસાદમાં શહેરના પશ્ચિમ વિસ્તારોમાં પાણી ભરાયા હતા. એક કલાકમાં જ સરખેજ અને આસપાસના વિસ્તારોમાં એકથી દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબકતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રાજ્યમાં આગામી બે દિવસની ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

અમરાઈવાડી 132 ફૂટના મોડેલ રિંગ રોડ પર આવેલા પોસ્ટ ઓફિસની સામે ભૂવો પડ્યો છે. સ્વસ્તિક ચાર રસ્તા પાસે પડેલા ભૂવાના 200 મીટરના અંતરે વધુ એક ભૂવો પડ્યો છે. જોકે આ ભૂવાને હજુ સુધી બેરીકેડ નથી કરાયો.

ઉના- 60 મીમી, બાબરા- 28 મીમી, સુરત- 19 મીમી, તાલાલા- 10 મીમી, લાઠી- 8 મીમી, અમદાવાદ- 3 મીમી, ભાવનગર- 2 મીમી

ધોધમાર વરસાદના કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેના પગલે વાહનવ્યવહાર ધીમો પડ્યો છે. તો વરસાદના કારણે શહેરમાં ક્યાંક ક્યાંક ભૂવા પડ્યા હોવાની માહિતી સુત્રો આપી રહ્યા છે. વરસાદના કારણે આહલાદક વાતાવરણ સર્જાયું છે. લોકો વરસાદની મજા માણવા માટે ઘરોમાંથી નીકળી પડ્યા છે. ગરમ નાસ્તાની લારીઓ ઉપર પણ લોકોની ભીડ હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.