હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ના બહુચર્ચિત એમ.બી.બી.એસ. માર્કસ સુધારણા કૌભાંડની તપાસ ખાતાકીય તપાસ અને સીઆઈડી તપાસ એમ બે મોરચે ચાલી રહી છે પરંતુ તારીખ પે તારીખ ની જેમ તપાસનો કોઇ અંત જ આવતો ન હોય આ કૌભાંડમાં છેવટે ભીનુ સંકેલાઈ જશે કે કેમ તે અંગે શિક્ષણ વર્તુળમાં ચર્ચા જાગી છે.
એમબીબીએસના ત્રણ વિદ્યાર્થીઓને તેમની મૂળ ઉત્તરવહીઓ બદલી દઈને રીચેકીંગ માં ખોટી રીતે પાસ કરવા માટે આયોજનબદ્ધ રીતે આચરવામાં આવેલા ગુણ સુધારણા કૌભાંડમાં યુનિવર્સિટીના વર્તમાન કુલપતિ અને જે તે સમયના યુનિવર્સિટીના કેમેસ્ટ્રી વિભાગના વડા અને પરીક્ષાના કન્વીનર જે જે વોરા દ્વારા આ તપાસમાં મુખ્ય રોલ ભજવવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે તે ઉપરાંત કેમેસ્ટ્રી વિભાગના અન્ય કર્મચારીઓ સહિત જે લોકો સંડોવાયેલા છે તેમની સામે તપાસ ચાલી રહી છે પરંતુ લાંબો સમય થવા છતાં અને યુનિવર્સિટીની કારોબારી સમિતિએ કુલપતિ ડૉ વોરાને આ કૌભાંડમાં સીધી રીતે જવાબદાર ઠરાવ્યા હોવા છતાં હજુ સુધી સીઆઇડી ક્રાઇમની તપાસ કે તેમની સામેની ખાતાકીય તપાસનો કોઈ અંત દેખાતો નથી જેથી ઇરાદાપૂર્વક આ કૌભાંડ પર પડદો પાડી દેવાના પ્રયત્નો થઇ રહ્યા હોવાના પણ શિક્ષણ વર્તમાન આક્ષેપો અને તર્ક વિતર્કો શરૂ થયા છે.
ગુજરાતના સીઆઇડી ક્રાઇમ દ્વારા કુલપતિ ડૉ વોરાને ગત રોજ ગાંધીનગર ખાતે તપાસ અને નિવેદન અર્થે બોલાવવામાં આવ્યા હતા જેમાં કુલપતિ સહીત ઇન્ચાર્જ રજીસ્ટ્રાર, પરીક્ષા નિયામક તેમજ અન્ય સંકળાયેલ કર્મચારીઓને ગાંધીનગર ખાતે બોલાવીને તેમના નિવેદનો લેવામાં આવ્યા હતા તેમજ પૂછપરછ કરવામાં આવી હતી.
આ અંગે કુલપતિનુ એવું કહેવું છે કે તપાસ અંતિમ તબક્કામાં છે પરંતુ છેલ્લા કેટલાય મહિનાઓથી ચાલી રહેલી આ તપાસ ખરેખર અંતિમ અને પૂર્ણતાના આરે ક્યારે આવશે અને મેડિકલ ફેકલ્ટી જેવા અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓને ખોટી રીતે પાસ કરવાના આ કૌભાંડમાં ખરેખર જવાબદારોને શોધીને તેમની સામે ફોજદારી ફરિયાદ સહિતના કડક પગલાં ભરાશે કે કેમ તે અંગે વિદ્યાર્થીઑ તેમજ સમગ્ર યુનિવર્સિટીના શિક્ષણ વર્તુળોમાં ચર્ચા જાગી છે.