વાત ડિનરની હોય કે બ્રેકફાસ્ટની, જોઇએ કઈંક નવું અને તે પણ હલકું. બપોરે તો બધાંના ઘરે દાળભાત, શાક-રોટલી બની જ જતી હોય છે, પરંતુ સાંજના જમવામાં શું બનાવવું એ ચિંતા દરેક ગૃહિણીને સતાવતી હોય છે. રોજ-રોજ ભાખરી-શાક કે ખીચડી પણ બધાં ખાય નહીં. તમારા આ પ્રોબ્લેમનું સોલ્યુશન લાવ્યા છીએ અમે અહીં. અમે લાવ્યા છીએ એક નવી જ વાનગી પોટેટો પાન રોલની રેસિપિ. દેખાવમાં ખૂબજ આકર્ષક એવા આ રોલ ટેસ્ટમાં પણ અદભૂત રહેશે. બનાવવામાં સરળ રહેશે અને ઝડપથી બની પણ જશે. નોંધી લો રેસિપિ અને તમે પણ કરો ટ્રાય.


સામગ્રી:-


બે ટેબલસ્પૂન તેલ
એક ચમચી રાઇ
એક ચમચી જીરું
અડધો કપ ઝીણી સમારેલી ડુંગળી
એક ઝીણું સમારેલું લીલું મરચું
એક ટેબલસ્પૂન આદુ-લસણની પેસ્ટ
એક કપ બાફેલા બટાકાનો માવો
એક ચમચી લાલ મરચું પાવડર
અડધી ચમચી હળદર
સ્વાદ અનુસાર મીઠું
એક ચમચી ગરમ મસાલો
ઝીણી સમારેલી કોથમીર
એક કપ મેંદો
એક કપ પાણી
તેલ
ચીલી ફ્લેક્સ


રીત:-


સૌપ્રથમ એક ફ્રાઇંગ પેનમાં બે ટેબલસ્પૂન તેલ ગરમ કરો. તેલ ગરમ થઈ જાય એટલે અંદર રાઇ અને જીરું સાંતળો. ત્યારબાદ અંદર ડુંગળી અને લીલું મરચો નાખો અને થોડીવાર સાંતળો. ત્યારબાદ અંદર આદુ-લસણની પેસ્ટ નાખો અને બધું જ બરાબર મિક્સ કરી તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળો. ત્યારબાદ અંદર બટાકાનો માવો, લાલ મરચું, હળદર, સ્વાદ અનુસાર મીઠું, ગરમ મસાલો અને કોથમીર નાખી બધુ જ બરાબર મિક્સ કરી લો. ગેસ બંધ કરી થોડું સેટ થવા દો.


આ દરમિયાન એક બાઉલમાં એક કપ મેંદો લો. અંદર સ્વાદ અનુસાર મીઠું નાખી મિક્સ કરી લો. ત્યારબાદ અંદર એક કપ પાણી નાખી બરાબર ફેંટી ખીરું તૈયાર કરો. હવે ગેસ પર ઢોંસા તવો ગરમ કરો. તવો ગરમ થઈ જાય એટલે તેલથી ગ્રીસ કરી ઉપર એક ચમચો ખીરું રેડી ફેલાવી દો. ત્યારબાદ ઢાંકીને 10 સેકન્ડ ચઢવા દો. ત્યારવાદ પલટીને બીજી બાજુ પણ 10 જ સેકન્ડ્સ ચઢવી બહાર કાઢી લો. ત્યારબાદ બરાબર વચ્ચે બે ચમચી બટાકાનો માવો ભરો અને ત્રિકોણ ફોલ્ડ તૈયાર કરો. હવે તેને તવા પર થોડું તેલ લગાવી બંને બાજુ ગોલ્ડન થાય એટલું શેકી લો.


ત્યારબાદ પ્લેટમાં કાઢી ઉપર ચીલી ફ્લેક્સ અને કોથમીર ભભરાવી ટોમેટો સોસ સાથે સર્વ કરો.